આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૧૫મો.
પુરુષોત્તમ સ્વરૂપ

શ્રી ભગવાન બોલ્યા--
ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યાં;
એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો. ૧

      ઊંચે—તળે ડાળ-પસાર[૧] તેનો,
            ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે;
     નીચે, વળી, માનવલોક માંહી
            મૂળો ગયાં, કર્મ વિષે ગૂંથાયાં. ૨

      તેનું જગે સત્ય ન રૂપ ભાસે,
            ન આદિ—અંતે નહિ કોઈ પાયો;
      લૈ તીવ્ર વૈરાગ્ય તણી કુહાડી,
            અશ્વત્થ આવો દૃઢમૂળ તોડ. ૩
      
      શોધી પછી તે પદને પ્રયત્ને
            જ્યાં પોં’ચનારા ન પડે ફરીથી--
      તે પામવું આદિ પરાત્મ રૂપ,
            પ્રવૃત્તિ જ્યાંથી પસરી અનાદિ. ૪


  1. [ડાળો નો પસારો.]