આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


      નિર્માન, નિર્મોહ, અસંગવૃત્તિ,
            અધ્યાત્મનિષ્ઠા, નિત, શાંતકામ[૧];
      છૂટેલ દ્વંદ્વ સુખદુ:ખરૂપી,
            અમૂઢ તે અવ્યય ધામ પામે. ૫

સૂર્ય તેને પ્રકાશે ના, ના ચંદ્ર, અગ્નિયે નહીં.
જ્યાં પોં’ચી ન ફરે પાછા, મારું તે ધામ ઉત્તમ. ૬

મારો જ અંશ સંસારે જીવરૂપ સનાતન,
ખેંચે પ્રકૃતિમાંથી તે મન ને પાંચ ઇન્દ્રિયો. ૭

જેમ વાયુ ગ્રહે ગંધ, વસ્તુનો નિજ સાથમાં,
તેમ દેહી ગ્રહે આ સૌ ધારતાં—છોડતાં તનુ. ૮

આંખ, કાન, ત્વચા, નાક, જીભ ને છઠ્ઠું તો મન.
અધિષ્ઠાતા થઈ સૌનો દેહી વિષય ભોગવે. ૯

નીકળે કે રહે દેહે,ભોગવે ગુણ સાથ વા,
મૂઢો ન દેખતા એને, દેખે છે જ્ઞાનચક્ષુના. ૧૦

રહેલો હ્રદયે તેને, દેખે યોગી પ્રયત્નવાન
હૈયાસૂના, અશુદ્ધાત્મા ન દેખે યત્નથીય તે. ૧૧

પ્રકાશતું વિશ્વને આખા તેજ જે સૂર્યમાં દીસે,
ચંદ્રે જે, અગ્નિમાંયે જે, મારું જ તેજ જાણ તે. ૧૨

પેસી પૃથ્વી વિશે ધારું ભૂતોને મુજ શક્તિથી;
પોષું છું ઔષધી સર્વે થઈ સોમ, રસે ભર્યો. ૧૩


  1. [શાંતકામ= જેની વાસનાઓ શમી ગઈ છે.]