આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હું વૈશ્વાનર રૂપે સૌ પ્રાણીના દેહમાં રહ્યો;
પ્રાણાપાન કરી યુક્ત પચાવું અન્ન ચોવિધ. ૧૪

      નિવાસ સૌનાં હ્રદયે કરું હું,
            હું—થી સ્મૃતિ, જ્ઞાન તથા વિવેક[૧];
      વેદો બધાનું હું જ એક વેદ્ય,
            વેદાન્તકર્તા હું જ વેદવેત્તા. ૧૫

બે છે આ પુરુષો વિશ્વે ક્ષર-અક્ષર, અર્જુન,
ક્ષર તે સઘળાં ભૂતો, નિત્યને અક્ષર કહ્યો. ૧૬

પોષે ત્રિલોકને વ્યાપી જે અવિનાશ ઈશ્વર,
પરમાત્મા કહ્યો તેને, ત્રીજો પુરુષ ઉત્તમ. ૧૭

કાં જે હું ક્ષરથી પાર, અક્ષરથીય ઉત્તમ,
તેથી હું લોક ને વેદે વર્ણાયો પુરુષોત્તમ. ૧૮

જે અમૂઢ મ’ને આમ જાણતો પુરુષોત્તમ,
તે સર્વ સારનો જ્ઞાની સર્વભાવે મ’ને ભજે. ૧૯

અત્યંત ગૂઢ આ શાસ્ત્ર તને, નિષ્પાપ ! મેં કહ્યું;
તે જાણી બુદ્ધિને પામી, કૃતાર્થ બનવું ઘટે. ૨૦


  1. [વિવેક—મૂળમાં ‘અપોહન’ છે. કેટલાક તેનો અર્થ વિસ્મરણ પણ કરે છે.]