આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અસત્ય જગ છે બોલે, અનાધાર, અનીશ્વર;
અન્યોન્ય યોગથી જન્મ્યું, હેતુ કામ વિના નહીં. ૮

આવી તે રાખતા દૃષ્ટિ ક્રૂરકર્મી, અબુદ્ધિઓ,
હૈયાસૂના ધરે જન્મ પ્રજાક્ષયાર્થ શત્રુઓ. ૯

દુષ્પૂર કામને સેવે, દંભ—માન—મદે ભર્યા;
મોહે દુરાગ્રહો બાંધી પાપાચારી પ્રવર્તતા. ૧૦

વહે અપાર ચિંતાને મૃત્યુએ ઝાલતાં સુધી;
સુખ—ભોગ ગણે ધ્યેય, તે જ સર્વસ્વ માનતા. ૧૧

આશાપાશો વડે બાંધ્યા, કામ—ક્રોધ—પરાયણ;
ઇચ્છતા સુખ ભોગાર્થેઅન્યાયે ધનસંચય. ૧૨

‘આ પામ્યો આજ, ને કાલે કોડ પૂરા કરીશ આ;
‘આટલું મારું છે આજે, આયે મારું થશે ધન; ૧૩

‘આ વેરી મેં હણ્યો છે ને બીજાયે હણનાર છું;
‘હું સર્વાધીશ ને ભોગી, સિદ્ધ હું, બળવાન, સુખી. ૧૪

‘હું છું કુલીન, શ્રીમંત, બીજો મારા સમાન ના;
‘યજીશ.[૧] દૈશ, મા’ણીશ’—કહે અજ્ઞાન મોહથી. ૧૫

ભૂલ્યા અનેક તર્કોમાં, ગૂંથાયા મોહજાળમાં,
આસક્ત સુખ ને ભોગે તે કૂડા નરકે પડે. ૧૬

આત્મશ્લાઘી ગુમાની તે, દંભ—માન—મદે ભર્યા,
કરે છે નામના યજ્ઞો દંભથી વિધિને ત્યજી. ૧૭


  1. [યજીશ—યજ્ઞો કરીશ.]