આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બળ, દર્પ અહંકાર, કામ ને ક્રોધને વર્યા;
સ્વ—પર દેહમાં મરો ઈર્ષાથી દ્રોહ તે કરે. ૧૮

એવા દ્વેષી તથા ક્રૂર સંસારે જે નરાધમો,
તે દુષ્ટોને સદા નાખું આસુરી યોનિઓ વિષે. ૧૯

આસુરી યોનિ પામેલા જન્મોજન્મેય મૂઢ તે,
મ’ને ન મેળવે, પામે ઝાઝી ઝાઝી અધોગતિ. ૨૦

કામ, ક્રોધ તથા લોભ, નરકદ્વાર આ ત્રણ,
કરતા આત્મનો ઘાત , તેથી તે ત્યજવાં ત્રણે. ૨૧

તમનાં આ ત્રણે દ્વારો, તેથી મુક્ત થઈ, પછી
આચરી આત્મનું શ્રેય દેહી પામે પરંગતિ. ૨૨

છોડીને શસ્ત્રનો માર્ગ સ્વચ્છંદે વરતે નર,
તેને મળે નહીં સિધ્હિ, ન સુખે, ન પરંગતિ. ૨૩

માટે પ્રમાણવું શાસ્ત્ર કાર્યાકાર્ય ઠરાવવાં;
શાસ્ત્રથી વિધિને જાણી કર્મ આચરવું ઘટે. ૨૪