આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અધ્યાય ૧૭ મો
ગુણથી ક્રિયાઓના ભેદ


અર્જુન બોલ્યા--

શાસ્ત્રના વિધિને છોડી શ્રદ્ધાથી પૂજન કરે,
તેની નિષ્ઠા ગુણે કે’વી સત્ત્વ, કે રજ, કે તમ ? ૧

શ્રીભગવાન બોલ્યા--
ત્રણ પ્રકારની શ્રદ્ધા દેહીઓની સ્વભાવથી,--
સાત્ત્વિકી, રાજસી, તેમ તામસી, સુણ તે સહુ. ૨

જેવું જે જીવન સત્ત્વ, શ્રદ્ધા તેવી જ તે વિષે;
શ્રદ્ધાએ આ ઘડ્યો દેહી, જે શ્રદ્ધા તે જ તે બને. ૩

સાત્ત્વિકો દેવને પૂજે, રાજસો યક્ષ—રાક્ષસો;
પ્રેતો—ભૂતગણો પૂજે,જે લોકો તામસી જગે. ૪

શાસ્ત્રવિરુદ્ધ ને ઘોર, જે જનો તપ આચરે;
અહંતા—દંભથી યુક્ત, કામ—રાગ—બળે ભર્યા; ૫

દેહનાં પંચભૂતોને હ્રદયે વસતા મ’ને,
પીડે જે અબુધો જાણ, તેના નિશ્ચય આસુરી. ૬

આહારે પ્રિય સર્વેના ત્રણ પ્રકારના જુદા;
તેમ યજ્ઞો તપો, દાનો,-- તેના આ ભેદ સાંભળ. ૭