આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


આયુ, સત્ત્વ, બળ, સ્વાસ્થ્ય, સુખ, પ્રીતિ, વધારતા,
રસાળ, રોચક, સ્નિગ્ધ, સ્થિર તે સાત્ત્વિક—પ્રિય. ૮

ખારા, ખાટા, ઘણા ઊના, તીખા, લૂખા, બળે, કટુ;
દે દુ:ખ, શોક કે વ્યાધિ, આહારો રાજસ—પ્રિય. ૯

પો’ર ટાઢો, થયો વાસી, ગંધાતો, સ્વાદ ઊતર્યો,
એઠો, નિષિદ્ધ આહાર, તામસી જનને પ્રિય.[૧] ૧૦

ન રાખી ફળની આશા, યજ્ઞે જ ધર્મ જાણતા,
સ્થિરચિત્તે થતો યજ્ઞ, વિધિપૂર્વક સાત્ત્વિક. [૨] ૧૧

ફળને દૃષ્ટિમાં રાખી, તેમ જે દંભભાવથી,
જે યજ્ઞ થાય છે લોકે, રાજસી યજ્ઞ તે કહ્યો. ૧૨

જેમાં ન વિધિ, ના મંત્ર, નયે સર્જન અન્નનું;
ન દક્ષિણા, નહીં શ્રદ્ધા, તામસી યજ્ઞ તે કહ્યો. ૧૩

દેવ—દ્વિજ—ગુરુ—જ્ઞાની તેની પૂજા, પવિત્રતા,
બ્રહ્મચર્ય, અહિંસા ને આર્જવ દેહનું તપ. ૧૪

અખૂંચતું, સત્ય ને મીઠું હિતનું વેણ બોલવું;
તથા સ્વાધ્યાય, અભ્યાસ, વાણીનું તપ તે કહ્યું. ૧૫

આત્મનિગ્રહ ને મૌન, મન કેરી પ્રસન્નતા,
મૃદુતા, ભાવની શુદ્ધિ, મનનું તપ તે કહ્યું. ૧૬


  1. [નિષિદ્ધ—અમેઘ્ય; જેને ધર્મકાર્યમાં ન વાપરી શકાય તેવો; જેમ કે કૂતરા, કાગડા વગેરેએ બગાડેલો, ગંદી જગ્યામાં પડેલો, ધોઈને સ્વચ્છકર્યા વિનાનો ઇત્યાદિ.]
  2. [યજ્ઞ કરવો એ ધર્મ છે એટલા જ માટે.]