આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
ઘાશીરામ કોટવાલ.

ઠગ લોકો મોટા સિદ્ધ પુરુષ છે, એવું બીજા લોકો સમજીને તેઓની સેવા કરતા હતા.

આટલે સૂધી બોલવું થયું, એટલામાં મુનશીનો નોકર એક નાહાની પેટી લઈ આવ્યો; તે પેટી મુનશીએ ઉઘાડીને તેમાંથી કાચનો યંત્ર કહાડીને, કોટવાલ આગળ મૂક્યો. પછી એક વાસણમાં પાણી લઈને મુનશીએ પ્રયેાગ કરી બતાવ્યો.

ઘા— મુનશીજી, ફરી એકવાર પાણી ભરો.

મુ૦— એકવાર તો શું પણ દશવાર ભરી બતાવું. એમ બોલી તેણે ઘણી વખત વાસણમાં પાણી ભરી બતાવ્યું.

રુ— મુનશી, તમે જાદુગરની વિદ્યા સારી શિખ્યા છો. પણ આ કાચના વાસણને ને રાજાપુરની ગંગાને શું સંબંધ છે, તે હજી સુધી મારી સમજણમાં આવ્યું નથી.

મુ૦— મેં આગળ કહેલું છે કે ડુંગરમાં પોલાણ હોય છે; તે પ્રમાણે રાજાપુરના ડુંગરમાં આ યંત્રની આકૃતિ જેવી મોટી પોલાણ હશે. તેમાં જમીનની શિરાને રસ્તે પાણી પેસીને જોઈએ તેટલું ભરાય, એટલે તમારા ગૌમુખમાંથી પાણી વહેવા લાગે. પોલાણમાં એકઠું થયેલું પાણી પૂરું થાય કે ગૌમુખમાંથી નિકળવું બંધ પડે.

રુ— તમારા જેવા બધા પંડિત હોય તો અમારે હમણા જ મસીદમાં જવું પડે, ડુંગરમાંની પોલાણ તમે પેસીને જોઈ છે ?

મુ૦— ફકત પેટ ભરનાર લોકોની સલાહ પ્રમાણે ન ચાલતાં તમે પોતાની અક્કલથી વિચાર કરો તો, ખરા ખોટાનો ભેદ તમને તરત જણાઈ આવે. અમે ડુંગરમાં પેઠા નથી એ વાત ખરી છે; પણ કારલ્યા નજદીક તથા બીજે ઘણે ઠેકાણે ડુંગર કોતરીને મોટા મહેલો બનાવ્યા છે; તે પ્રમાણે કોઈ પરાક્રમી માણસ રાજાપુરનો ડુંગર ખોદાવે તો, હું કહું છઉં તેવી પોલી જગા તથા તેમાંથી પાણી બહાર પડવાનો રસ્તો છે, એ સધળું ચાર પાંચ મહીનામાં નજરે જોવામાં આવે.

આટલું બોલવું થયા પછી કોટવાલે મુનશીને યંત્ર આટોપવાનું કહ્યું, ને હવે બસ કરો, એ વિષે કોઈ વેળા વિચાર કરશું; એવું બોલીને રુદ્રાપા તથા મુનશીને રુખશત કર્યા.

--¤¤¤¤¤¤¤¤--