આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
ઘાશીરામ કોટવાલ.


મ૦— કોટવાલ સાહેબ, મુનશીએ ઘણો જ શોધ કર્યો છે. આ બીજું ચિત્ર દાઢીવાળા બાવાનું કેવું છે તે જોઈએ.

મુ૦— જુવો, મહારાજ, એ શું છે તે કહો.

મ૦— વાઘ ગર્જના કરતો બેઠેલો છે.

કો૦— ભટજી બાવા, મને દેખાડો (એમ કહી પોતાના હાથમાં ચિત્ર લઈને) નહીં નહીં, વાઘ નથી. આપણે અહીઅાં વેરાગી લોક નીલ કરીને કાળાં વાંદરાં ખાંધ ઉપર લઈને ફરે છે; તે પ્રમાણે આ વિલાતી ગોરો વાંદરો છે. કેમ મુનશી, હું કહું છઉં તેમ જ છે કે નહીં ?

મુ૦— એ વાઘ નથી ને વાંદર પણ નથી. એ ઓરત છે. એનું નામ આગસ્ટા બાર્બરા હતું એ મડમને ઈસ્વી સન ૧૬૫૫ ના વર્ષમાં લોકો પૈસા આપી જોવા એકઠા થતા હતા; તેના બાપનું નામ અર્શલીન હતું. તે વખત એ મડમની ઉમર વીશ વર્ષની હતી, ને તેને પરણ્યાને એક વર્ષ થયું હતું. તેના સઘળા શરીર ઉપર તથા માહેડા ઉપર પીળા રંગના વાંકા ઉનના જેવા નરમ બાલ હતા, ને તેને ઘેરી દાઢી ઉગી હતી, તે તેના કમરપટ્ટા સુધી પહોંચતી હતી. તેના લાંબા ઝુમખા નીચે લટકતા હતા, તેના ધણીનું નામ વાબેક હતું. તે તેને લઈને યુરોપખંડમાં અનેક દેશમાં ફર્યો હતો, ને ત્યાંથી ઈંગ્લેડ ગયો હતો.

ઘા૦— મુનશી સાહેબ, તમારા એ ચિત્રો માહારી પાસે મૂકી જાઓ; ને આપને વળી જ્યારે ફુરસદ મળે ત્યારે મહેરબાની કરી પધારજો.

--¤¤¤¤¤¤¤¤--


વાત ૨૨.

બીજે ત્રીજે દિવસે મહમદઅલી મુનશી પાછા કોટવાલને ઘેર આવ્યા. તે વખત કોટવાલની પાસે મહીપત જોશી બેઠા હતા. તેની રુબરુ મુનશીના ચિત્રમાંથી એક ચિત્ર હાથમાં લઈને, એ ઝાડ શાનું છે એમ કોટવાલે પૂછવા ઉપરથી બોલવું જારી થયું તે:—

મુ૦— આ દેશમાં તથા બીજા સઘળા દેશમાં જમીન ઉપર વંટોળિયા થાય છે, તે હંમેશ જોવામાં આવે છે. તેમજ રેતીના મેદાનમાં ને જંગલમાં વંટોળિયા થાય છે; ને તે જ પ્રમાણે દરીઆમાં થવાથી પાણી ઉડે છે.

જો૦— આપણે અહીઆં વંટોળિયાથી જમીનપર ધૂળ ઉડે છે, તેમ દરીઆમાંની ધૂળ ઉડીને ક્યાં આવે છે ?