આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આભાસ.
--¤¤¤¤--

આ ગ્રંથ આપણા ટાપુની સ્મોલ કોઝ કોરટના ત્રીજા આફટીંગ જડ્જ રાવ બહાદુર મી૦ મોરુબા કાહનોબાજીએ મરાઠી ભાષામાં પહેલવહલો રચ્યો. એ ગ્રંથ ઘણો રમુજ ભરેલો છે એટલું જ નહીં પણ એમાં બીજી ખુબીઓ ઘણી છે. એમાં વહેમોને તોડી નીતિ સમજાવવામાં જે ગોઠવણ કરવામાં જે બુદ્ધિ ગ્રંથકર્તાએ વાપરી છે, તે ખરેખર ઘણી જ વખાણવા યોગ્ય છે. મુંબઈમાં આવ્યા બાદ મને મરાઠી પુસ્તકો વાંચવાનો સોખ થયો. આગળ મને મરાઠી ભાષાનું કાંઇ જ્ઞાન ન હતું; પણ મારો સોખ તે ભાષા જાણવાનો અત્યંત થયાથી મેં પહેલવહેલાં મરાઠી ભાષાના નાના નાના ગ્રંથો વાંચવા શરુ કીધા. એ ભાષાના અધ્યયનથી મને રસ પડ્યો અને તેથી કરીને તેના અભ્યાસ પાછળ મારું દીલ સર્વકાળ લાગ્યું. એક મિત્રની કૃપાથી મને મરાઠી ભાષામાં મહેરબાન મેારુબાજીનો ગ્રંથ હાથ લાગ્યો. એ ગ્રંથ વાંચી મારું દીલ એ માંહેલી રસીક અને મનહર રચનાથી ઘણું પ્રસન્ન થયું અને વિચાર કરતાં એવું જણાયું કે, આવા ઉત્તમ ગ્રંથને મારી પોતાની ગુજરાતી ભાષામાં કરવાથી એ લીપીના વાંચનારોને ઘણો ફાયદો પ્રાપ્ત થશે, માટે મેં મહેરબાન મોરુબાજી કાહનોબાજીને એ ગ્રંથને ગુજરાતીમાં તરજુમો કરવા બાબદ એક પત્ર પુને લખી મોકલી તે સાહેબની રજા મંગાવી. મને મરાઠી ભાષાનું થોડું જ્ઞાન હોવાથી આવા ઉત્તમ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર કરવું પહેલવહેલું ગભરાટ ભરેલું દેખાયું, તો પણ મેં તે હીંમતથી માથે લીધું. મેં જે ભાષાંતર કીધું છે, તે ખરેખરું જોતાં કંઇ બરોબર વાક્યે વાક્યનો તરજુમો નથી. મારી નજરમાં તેમ કરવાથી મારી સ્વભાષાની ખુબીમાં વિરોધ પડે, એટલા માટે તેમ ન કરતાં મેં મરાઠી લખાણની મતલબ ગુજરાતી ભાષામાં જેમ બન્યું તેમ સલીસ ઇબારતમાં લખવાને બનતી કોશીશ લઇ આ ગ્રંથ તૈયાર કરી ખાસેાઆમની રુબરુમાં મૂક્યો છે અને ઉમેદ છે કે, વાંચનારાઓએ મારા મરાઠી ભાષાના અલ્પ જ્ઞાનને લીધે આ ગ્રંથમાં રહેલા દોષ પર નજર ન રાખતાં કૃપા કરી મને જોઇતો આશરો આપવાના હેતુથી આ ગ્રંથ સ્વીકારવો.

આ ગ્રંથમાં નીચે લખેલા લખાણ ઉપરથી એ ગ્રંથ જે નામથી ઓળખાય છે, તેની પેદાશ તથા તેના ચાતુર્યનો સહજ ખ્યાલ આવશે.