આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
ઘાશીરામ કેાટવાલ.

રહેવું હમેશ પીપળા ઉપર થાય છે. આ પ્રમાણે પંડિતજીએ ખુલાસેથી અર્થ સમજાવ્યો. પછી ઘાશીરામે પંડિતજીને એકાંતમાં લઈ જઈ વાતચિત કરી તે:-

ઘા૦— હવે હું મહારી માનું કારજ વિધિપૂર્વક કરીશ. આપ આજ્ઞા કરશો તેથી બમણું દાન આપીશ. મારા બાપ મરી ગયા ત્યારે મને ગરુડ પુરાણમાંની કાંઈ પણ વાત કોઈએ સમજાવેલી નહીં, તેથી મેં તેમની વાટ ખરચીની તજવીજ કરેલી નહીં. હવે શું કરું? તેમને પિશાચયોનીમાં દુઃખ પડતું હશે.

પં૦— આપે મનમાં ખોટુ લાવવું નહીં; મને તેનો ઇલાજ માલુમ છે.

ઘા૦— ત્યારે કહો મહારાજ કહો ! હું આપનો દાસ થઇને આપની આજ્ઞા પ્રમાણે કરીશ.

પં૦— આપના બાપને મુવાને જેટલાં વર્ષ થયાં હોય, તેટલાં કુંભ એટલે ઘડા તૈયાર કરવા; તેમાં એક રુપાનો ને બાકીના સઘળા ત્રાંબાના કરાવવા. જે દહાડે તેની મરણતિથિ હોય, તે દહાડે શ્રાદ્ધ કરીને સઘળા ઘડા દૂધે ભરીને કનોજીયા જાતના બ્રાહ્મણોને આપવા; એટલે તમારા બાપનું સર્વ દુ:ખ દૂર થઇ તેનો મોક્ષ થશે.

ઘા૦— મારા બાપને મરવાને બાર વર્ષ થયાં છે, તેથી બાર કુંભ કરાવવા પડશે. તે સઘળા કુંભોમાંનું દૂધ તેને કોણ પહોંચાડશે?

પં૦— બ્રાહ્મણો તે દુધ વરુણને પહોંચાડશે, વરુણ શ્રીકૃષ્ણ પાસે લઇ જશે. બાદ ત્યાંથી સૂર્યનારાયણ પાસે આવશે ને ત્યાંથી તમારા બાપને મળશે.

ઘા૦— એટલે દૂર સૂધી જતાં દૂધ બગડશે નહીં વારુ ? ને એકદમ બાર મણ દૂધ પીવાથી મારા બાપને મોરચી થઈ તો પછી શું કરશું?

પં૦— મંત્રના જોરથી દૂધ બગડશે નહીં ને આપના બાપ સાથે બીજા પિતૃઓ છે તેથી કરીને તમારા બાપને ભાગે દૂધ ઘણું થોડું આવશે.

ઘા૦— ઘણું સારું, માનું તેરમું જે દીને છે તેને બીજે દીવસે બાપની સમચરી છે; વાસ્તે આપે ચાંદીનો ઘડો લેવા આવવું તથા બીજા આ૫ની જાતના ૧૧ બ્રાહ્મણ લાવવા જોઇએ.

પં૦— મેં એવું દાન કદી લીધું નથી ને લેનાર પણ નહીં; કારણ કે એવું દાન લીધા પછી પ્રેતનું સઘળું પાપ દાન લેનારને માથે આવે છે.

ઘા૦— નહીં મહારાજ, આ૫ એવાં વચન શું બોલો છો ? આપ ઈશ્વરને સેવો છો; પછી આપને ભય શાનો ? મારી ખાતર સારું એટલી તસ્દી લેવી જ જોઇએ.