આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
ઘાશીરામ કોટવાલ.

તરફ જોઇને “આયુષ્યમાન્ ભવ” આ પ્રમાણે આશીર્વાદ દઇને, “સત્ય બચન મન લીનતા, પરસ્ત્રી માત સમાન, ઉસકો જો હરિનાં મિલે, તો તુલસીદાસ જમાન.” એ પ્રમાણે દોહરો કહીને પાછા ગીતા જોવા લાગ્યા. કોટવાલ અર્ધી ઘડી સુધી બેસી બાવાજીની નિ:સ્પૃહતા તથા નિર્લોભપણું તથા વિદ્વત્તા જોઇને, આ કોઇ મહાપુરુષ છે એમ સમજીને નમસ્કાર કરીને ચાલ્યા ગયા. બે ત્રણ દિવસ પછી ઘાશીરામ ફરી આવ્યા. તે વખત બાવાજી સાથે બોલવું થયું તે નીચે પ્રમાણે :–

ઘા૦— આપની જુઠણ લેવાની ઇચ્છા છે, માટે એક દિવસ મહારે ઘેર પધારવું જોઇએ.

બાવા— અમે આજ સુધી પૃથ્વી ઉપર ફર્યા તેને નેવું વર્ષ થયાં. પણ કોઇ શહેરમાં અમે પગ મૂક્યો નથી, તેથી પુના શહેરમાં પણ કદી આવનાર નહીં; અને બે ત્રણ દિવસમાં દ્વારિકા જવા સારુ કોકણ તરફ જવાનો વિચાર છે; વાસ્તે અમારાથી આપનો મનોરથ પૂર્ણ થશે નહીં.

કોટવાલ— પર્વતી અથવા વાકડ્યાના બાગ, અથવા વાનવડીમાં બેત રાખશું.

બાવા— નહીં નહીં, અમે બીજાનું જમતા નથી.

કો૦—(જરા વિચાર કરીને) કોથરુડ બાગમાં ઠરાવીશું.

બાવા— તે બાગ હ્યાંથી કેટલો દૂર છે ને ત્યાં કેટલી વસ્તી છે ને ત્યાં સરકારની ચોકી પહેરાનો કાંઈ બદોબસ્ત છે?

કો૦— કેાથરુડ બાગ હ્યાંથી બે કોશ ઉપર છે. ત્યાં પાંચ પચીસ કણબીઓનાં ઘર છે તથા સરકારનું અનુષ્ઠાન છે. ચોકી પહેરાને સારુ દશ પાંચ સીપાઈ રહે છે. તે ઉંચ જાતિના એટલે બ્રાહ્મણ છે.

બાવા— એ જગા બીજી જગો કરતાં સારી જણાય છે. આપની મરજી હોય તો ત્યાં પ્રસાદ લેવાનો બેત રાખવો.

કો૦— સવારે મ્યાનો મોકલી દઇશ.

બાવા— એ તો ખરાબ છે ! અઘોર નરકમાં જવાનું એ વાહન અમારે શું કરવા જોઇએ ? ઘોડા મ્યાના પહેલાં ઘણાં હતા. તેની હોંશ હોત તો ઘરબાર તથા સંસારનો ત્યાગ કરત જ નહીં.

કો૦— ત્યારે મરજી હોય તે પ્રમાણે કરીએ. સવારે અથવા બીજી કઈ વખત પધારવાનું થશે ?

બાવા— દિવસની વખતે અંન લેતો નથી. સૂર્ય આથમ્યા પછીનો બેત રાખવો.