આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
ઘાશીરામ કોટવાલ.


ઘા૦— હાથી આવા બળવાન થઈને, રાનમાંથી માણસના હાથમાં શી રીતે આવતા હશે ?

ટા૦— હાથી પકડવાની ઘણી તદબીરો છે, તેમાં એક એવી છે કે, જે રાનમાં હાથી હોય છે, ત્યાં એક દિવસે મોટો ખાડો ખોદી તેમાંની માટી ચારે તરફ બીછાવી દઈને હાથીને જે પાલો વધારે પસંદ હોય, તે પાલાથી ખાડો ઢાંકી મૂકે છે; બાદ તે ખાવા આવેથી તેમાં હાથી પડે છે ને કેટલાક દિવસ સુધી ભુખે મરે છે, એટલે તેને ખાડામાંથી બહાર કહાડવાની તજવીજ કરે છે, ને ખાડામાં હાથીને કેટલીક વાર સુધી લાલચ દેખાડે છે એટલે તેની સાથે હળી જાય છે. બાદ બહાર કહાડે છે. બીજી યુક્તિ એવી છે કે, હાથીના શિકાર કરવા સારુ પાળેલી હાથણીઓ લઈને તેના ઉપર શિકારીઓને હાથીનાં રંગનાં કપડાં નાંખી તેમાં છૂપી જઈ પીઠપર પડીને, તે હાથણીને રાનમાં હાથીના ટોળામાં લઈ જાય છે, ને તે ટોળામાં નરની પાસે હાથણી લઈ જઈને તે હાથી સાથે ચેષ્ટા કરે, એટલે બીજી હાથણી પાછળ પગમાં રહી આંટી મારે છે. બાદ શિકારીઓ તે હાથીને કબજ કરી લાવે છે.

મા૦— હાથી પકડવાની ચમત્કારિક યુક્તિ એવી છે કે, રાનમાં એક બીજાને લગતા બે ખાડા કરીને તે બંનેની વચ્ચે બિન હરકતે એક હાથી જાય, એટલી પાળ રાખીને ખાડાએામાં ઝાડની ડાળેા નાંખે છે. પછી પાળેલા તથા શિખવેલા હાથીને તે રાનમાં છોડી દે છે. તે પોતાના ટોળામાં જઈને તેએાની સાથે કેટલાક દિવસ રહે છે. બાદ જે ઠેકાણે ખાડા કરેલા હોય છે, તે રસ્તે પોતાના સોબતીએાને લાવે છે ને પોતે સૌથી આગળ થઈને એ ખાડા વચ્ચેની પાળ ઉપર સહેજ ચાલ્યા જાય છે. તે વખત તેની પાછળ બીજા હાથી આવે છે. બાદ પાળ પૂરી થવા આવી એવા સુમાર જોઈને ચીસ પાડીને નાસવા માંડે છે, તે વખત તેની પાછળ હાથી ખરેખર ગભરાઈને નાસવા લાગે છે. તેમાંથી કોઈ ખાડામાં પડે છે. બાદ પાળેલા હાથી ઘેર આવે છે ને શિકારી લોકો જઈ ખાડામાંથી હાથી પકડી લાવે છે.

ઘા૦— અમારા હાથીની શુંડ ઉપર એક છોકરાએ પથ્થર માર્યો. તે ઉપરથી તે છોકરાના આંગ ઉપર જઈ તેની ટંગડી શુંડથી પકડી તેને ફેંકી દીધો. તે એક ઘરના છાપરા ઉપર જઈને પડ્યો. તેને ઘણું વાગ્યું હતું, તેથી તે મરી ગયો.