આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે મત : ૧૧૧
 


કાંઈ પણ ન કરવું અને ચાલુ ગરીબી વધાર્યા કરવી એમાં વ્યવહારશીલતા નથી. આપણી તાત્કાલિક જરૂરિયાત નથી લાખ રૂપિયાની, અને નથી હજાર રૂયિયાની. બારમહિને પચાસથી સાઠ રૂપિયાની સરેરાશ આવકવાળો હિંદવાસી ગ્રામ–ઉદ્યોગ દ્વારા પોતાની આવકમાં પાંચ દસ રૂપીઆનો ઉમેરો કરી શકે તો પણ તે ગ્રામઉદ્યોગની સફળતા જ મનાય. આજની ભૂખમરામાં ગામડિયો એ પાંચ દશ રૂપિયામાં કંઈ ને કંઈ વધારે પોષણ મેળવી શકશે. આવતી કાલના લાખો રૂપિયાની અભિલાષામાં આ ક્ષણનો અડધો રોટલો પણ જતો કરીને મરણપથારીએ સૂવું એ વાસ્તવિક નથી. હિંદુસ્તાનના વિચિત્ર સંજોગોમાં યંત્રવાદીઓને અગર સમાજવાદીઓને હાસ્યજનક લાગતા ગ્રામઉદ્યોગો આજને માટે, આવતા દસકાને માટે, આવતી વીશી માટે બહુ અગત્યનો આર્થિક કાર્યક્રમ છે.

ગ્રામઉદ્યોગના પ્રકાર

ગ્રામઉદ્યોગના બે વર્ગ પાડી શકાય. (૧) સંપૂર્ણ પોષણ આપતા ગ્રામઉદ્યોગો (૨) પોષણમાં સહાયરૂપ થઈ પડતા ગ્રામઉદ્યોગો–ગૃહઉદ્યોગો. સંપૂર્ણ પોષણ આપતા ઉદ્યોગોમાં આપણે નીચે પ્રમાણે ધંધા ગણાવી શકીએ :—


(૧) લુહારી કામ : હળ, લોખંડી ઓજારો, પૈડાંની વાટો વગેરેની બનાવટ.

(૨) સુથારી કામ: ગાડાં, મજુસ, લાકડાંનાં ઓજારો વગેરેની બનાવટ,

(૩) કુંભાર કામ : નળિયાં, માટીનાં વાસણ, રમકડાં, ઈંટો વગેરેની બનાવટ.

(૪) ચમારી કામ : કોસ, વરત, ગાડાંનાં જોતર વગેરેની બનાવટ.

(૫) વણાટ કામ.