આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંગણું કે ઉકરડો ? : ૧૬૭
 


ગરીબીનું બહાનું

નહિ. ગરીબ કે તવંગર બધા જ પોતાનાં આંગણાં સાફ રાખી શકે છે. જો તેઓ ધારે તો. એમાં ભારે સાધનની જરૂર નથી. એક સાવરણો અને બે ઘડા પાણી : એટલામાં હરકોઈ ગરીબ પોતાનું આંગણું ચાંદની જેવું ચોખ્ખું બનાવી શકે છે.

ગરીબ માણસને ઘેર નોકરચાકર હોતા નથી એ વાત ખરી છે. ગરીબ માણસ પોતાની ગરીબીને લીધે ઘણી બાબતોમાં તવંગર કરતાં પાછળ રહી જાય છે; પરંતુ એક બાબત એવી છે કે જેમાં એક ગરીબ માણસ લક્ષાધિપતિને કોરાણે મૂકી શકે છે. એ કઈ બાબત ?

આંગણું અને અંગ-
મહેનત

લક્ષાધિપતિને અગર તેના કુટુંબીઓને સાવરણી ઝાલતાં શરમ આવે છે, તેનાથી અંગમહેનત થઈ શકતી નથી; ઘણાં કામમાં તેમને નોકર ઉપર આધાર રાખવો પડે છે. તવંગરના નોકરો તેમને મુબારક હો ! તેમની ઈચ્છામાં આવે તો તેઓ આંગણાં ભલે નોકરો પાસે સાફ કરાવે ! પરંતુ નોકરો ઉપર આધાર રાખનાર ધનાઢ્યો કેટલા પરતંત્ર છે તે તેમની જ ફરિયાદ ઉપરથી સમજાઈ આવશે. જગતનો મોટો ભાગ ગરીબ છે. ગરીબોને અંગમહેનત કરતાં શરમ આવતી નથી. તવંગરોને નોકર વગર બેસી રહેવું પડે છે, નોકર કરે તેટલાથી ચલાવી લેવું પડે છે, જ્યારે ગરીબ માણસ જાતે જ પોતાનું કામ પોતાની ઇચ્છા મુજબ કરી શકે છે. અંગમહેનતની છૂટ એ ગરીબોને તવંગર કરતાં વધારે અનુકૂળ સ્થિતિએ શું મૂકતી નથી ? તવંગરો જે કરી ન શકે તે ગરીબો અંગમહેનતથી કરી શકે છે. અંગમહેનત એ ગરીબોને એક જાતની સ્વતંત્રતા આપે છે જેનો લાભ તવંગરો લેઈ શકતા નથી. એ બાબતમાં શું ગરીબ શ્રેષ્ઠતા નથી ભોગવતા ?