આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રા મ સે વા : ૫
 


આવી વૃત્તિ માનવીને ગ્રામ – અભિમુખ નથી જ કરતી. ધર્મ તરીકે અગર સ્વાર્થ તરીકે પણ આપણે ગામડાંમાં, ગામડિયાંમાં, કૃષિમાં રસ લેવો જ પડશે. અને જો કે ગામડું ભાગ્યું છે છતાં આપણે માનીએ છીએ એટલું તે શું નિરસ હોય છે ? બુદ્ધિમાન યુવકો ગ્રામજીવન માટે શું રસ ન ઉપજાવી શકે ? ગામડું રસ અને અભ્યાસને યોગ્ય છે એની ઝાંખી બુદ્ધિમાન યુવકને કેમ થતી નથી ?


આકર્ષક અંગો

ગામડાંમાં કુદરતી સૌંદર્ય ચારે પાસ વિસ્તરી રહ્યું હોય છે. વૃક્ષો, મેદાનો, ખેતરો અને વનશ્રી ગામડાને સૌન્દર્યસંપન્ન બનાવી રહે છે. ગામડાંની આજુબાજુ સજીવન ઝરણાં અને નદીનાળાં એ સૌન્દર્યને ઓપ ચઢાવે છે. ભલા, ભોળા અને નિર્દોષ ગામડિયાઓ સાથેની વાતચીત રમૂજ ઉત્પન્ન કરે એવી હોય છે. ગામડાંની પરોણાગત આજ પણ આપણને આકર્ષક લાગે એવી હોય છે. વળી ગામડાંના વહેમનો કદી વિચાર કર્યો છે ? કોઈ ઝાડ આગળ જીન ફરતો હોય ! કોઈ કૂવા આગળ ચુડેલ રમતી હોય ! કોઈ ઘરમાં ભૂત ભરાયેલું હોય ! આ વહેમની પાછળ રહેલું માનસ અભ્યાસ માગે છે. અને કૌટુમ્બિક સત્કાર્યો, પ્રાચીન કથાઓ, વડવાઓનાં પરાક્રમ, ચોરી, લૂંટ અને ધાડના પ્રસંગો, તથા જાનવરોની સમીપતા ઇતિહાસ અને સાહિત્યને પોષે એવાં રસમય બની શકે એમ હોય છે. દેવળો, પાળિયા અને તળાવનો પથ્થરે પથ્થર રસ લેનારના કાનમાં ગુંજન કરી ઊઠશે.

ગામડાંની સામાજિક રચના પણ સમજવા જેવી હોય છે. બ્રાહ્મણ, વાણીયા, પાટીદાર, રબારી, ઢેડ વગેરે કોમો ગ્રામજીવનના ચોકઠામાં કેવી રીતે સમાઈ જતી તેનો અભ્યાસ કોઈપણ કેળવાયલા ગ્રૅજ્યુએટની બુદ્ધિને કસે એમ છે.