આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૨૫
 


લશ્કરી શિક્ષણ

અને એ શસ્ત્રસજ્જ હોય તો ? શ્રીમંત મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ એક સ્થળે કહે છે કે “રાષ્ટ્રનું શરીરબળસંવર્ધન એ શારીરિક શિક્ષણનું અંતિમ ધ્યેય : એ સાધ્ય કરવા માટે આપણા તરુણોને શારીરિક શિક્ષણના ભાગ તરીકે જ લશ્કરી શિક્ષણ આપવું જોઈએ... લશ્કરી શિક્ષણ લીધા સિવાય આપણા તરુણો પરચક્રથી આપણા દેશનું સંરક્ષણ કરી શકે નહિ... આપણા દેશના રક્ષણની જવાબદારી સ્વીકારવા આપણે તૈયાર થવું જ પડશે.” અને આ વિચારોને સહુનો ટેકો હોય. સાર્વભૌમ સત્તાએ આ નીતિ પ્રથમથી જ ધારણ કરી હોત તો જર્મની–રશિયાનો ભય હિંદ, ઈન્ગ્લેંડ કે ફ્રાન્સને માથે ઝઝૂમી રહ્યો ન હોત. હજી પણ એ નીતિનો સચ્ચાઈથી સ્વીકાર થાય તો જગતભરની યુદ્ધબંધીનો પ્રશ્ન ઉકેલ અર્થે પાસે આવતો જશે.

લશ્કરી શિક્ષણ લેવું એ હજી સર્વથા આપણા હાથની વાત નથી રહી. વળી અહિંંસાની પ્રચલિત ભાવના મારકણા લશ્કરી શિક્ષણને ન આવકારે એ સંભવિત છે. છતાં હિંસાની સામે અહિંસાનો મોરચો માંડવો હોય તો હિંસક પદ્ધતિનો અભ્યાસ–તેનો અનુભવ–તો જરૂરી છે જ. વળી હિંસાએ સ્વીકારેલી પદ્ધતિમાં રહેલું આજ્ઞાધારકપણું, કવાયત, કૂચ, આગળપાછળ વધવાની સમૂહયોજના, દુઃખ સહનની શક્તિ, મારવાની નહિ તો માર ખાવાની અને મરવાની સામુદાયિક આવડત એ બધાં હિંસક લશ્કરનાં લક્ષણો અહિંસક લશ્કરોમાં પણ દાખલ કરવાં જ પડશે. અહિંસા એમ ધારતી હોય કે વ્યકિતગત અને સામુદાયિક દેહાર્પણ વગર હિંસાને જીતી શકાય તો તે અશક્ય છે. અહિંસાની સ્થાપના પહેલાં અનેક અહિંસકોએ પોતાની કતલ માટે તૈયાર રહેવું પડશે.

આમ અહિંસા પણ અમુક અંશે વ્યુહરચના માગી જ લે છે.