આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવન અને વ્યાયામ : ૨૨૭
 


આ વાત ખરી છે ? બારે માસ જરા ય વખત ન મળે એટલું બધું કામ ગ્રામજનતા ખરેખર કરે છે? ખેડૂતોને પૂરતી જમીન નથી, પૂરતો ઉદ્યોગ નથી એનો તો મોટો પડકાર છે. બાર માસમાંથી છ માસ નહિ તો ત્રણ ચાર માસ આળસ, નિવૃત્તિ કે નવરાશના હોય છે એમ સામાન્યતઃ મનાય છે. એ સાચું હોય તો ગ્રામજનતાને વ્યાયામ માટે પૂરતો વખત છે.

સમયનો અભાવ

અને આપણે ધારીએ કે ગ્રામજનતાને પૂરતો વખત નથી. તો પણ તેને આરોગ્ય અને આનંદ મળી શકે એ માટે કાં તો ગ્રામજનતાને પૂરતો વખત આપવો જોઇએ અગર તેમના ભરપૂર નિત્ય કામમાં વ્યાયામનાં તત્ત્વો પ્રવેશ પામે એમ કરવું જોઇએ. દળવું, ખાંડવું, પાણી ભરવું, પુંજો કાઢવો, લૂગડાં ધોવાં, રાંધવું, વલેણે વલોવવું એ બધાં કામ નગરનિવાસ અને ભણતરને પ્રભાવે હલકાં મનાતાં બની ગયાં છે. એ ખરેખર હલકાં છે ? માનવજીવનને માટે અત્યંત આવશ્યક કાર્યોને હલકાં માનવાની ભૂલ કે મૂર્ખાઇને લીધે આપણે ઘણું સહન કર્યું છે. એ ભૂલ અને મૂર્ખાઈ ગ્રામજનતામાં પણ પ્રવેશ કરતી બની ગઈ છે. એ જેમ બને તેમ વહેલી દૂર થાય એમાં ગ્રામજનતાને લાભ છે.

આજ જેને ધૃણાપાત્ર અને તિરસ્કારપાત્ર કામ ગણીએ છીએ એમાં આપણા જીવનની સારામાં સારી અને સાચામાં સાચી કવિતા સમાઈ હતી. ઘંટી અને દહીંમંથન, પાણીના ઘડા અને પનઘટ આજ પણ શહેરની સન્નારીઓને નૃત્યગીત અને અભિનયના વિષય પૂરા પાડે છે, અને બતાવી આપે છે કે આપણા જીવન સાથે જોડાયેલાં નિત્ય કામોને આપણે ચાહીએ તો કલા અને સંગીતમય બનાવી શકીએ અને તેમાંથી આનંદ અને બળ મેળવી શકીએ. ગ્રામજનતાનાં