આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.





૨૫
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો.
આગેવાનોની ખામી

ગામડાં ઉન્નત કેમ થતાં નથી એનાં અનેક કારણોમાં એક મહત્ત્વનું કારણ નેતૃત્વનો અભાવ છે. ગ્રામજનતા અજ્ઞાન, ભોળી, વિશ્વાસુ, પરાશ્રયી અને અસ્થિર માનસવાળી હોય છે. આવી જનતાને ઉન્નતિને માર્ગે લઈ જવી એ બહુ વિકટ કાર્ય છે. ભણેલાગણેલા અને સમજદાર મનુષ્ય નોકરીધંધાર્થે ગામડાં છોડી જાય છે. તેમને ગ્રામજીવનમાં જરા ય રસ રહેતો નથી. તેઓ ભાગ્યે વર્ષમાં એકાદ બે અઠવાડિયાં પોતાના ગામમાં આવતા હોય. ગામમાં તેઓ આવે તો કાંઈ લગ્ન, જનોઈ, કારજ જેવા પ્રસંગો તેમને ઉકેલવાના હોય, અગર માત્ર આરામ લેવાનો હોય. શહેરના સંસર્ગને લીધે ભણેલાઓ અને સાહસિકો ગામડાં ઉપર અને ગ્રામજનતા ઉપર સરસાઈ અનુભવે છે, અને તેને પરિણામે ગ્રામજનતા તરફ એક પ્રકારનો અભાવ કેળવે છે. એટલે ગામડાંના ભણેલા, અક્કલવાળા અને સાહસિક વર્ગનો ગામને જરા ય ઉપયોગ થતો નથી. એ વર્ગ બહારગામ રહે છે, અને એકાદ સારું મકાન બનાવી સારો વરો કરી કે મહેરબાની દાખલ કાંઈ ઠીક રકમ ગામના કામમાં આપી પોતાની અને ગ્રામજનતાની વચ્ચેનું અંતર વધાર્યા સિવાય બીજું ભાગ્યે સારું કામ કરી શકે છે.