આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૪૩
 


શિક્ષક :

બાબત હરીફાઈ જરૂર ચાલવાની. પટેલ તલાટીનો તાત્કાલિક ઉપયોગ બધાને હોવાથી ગ્રામમાનસ પટેલ તલાટી તરફ વધારે માનની દૃષ્ટિથી જુએ છે. માનનો આધાર સેવા અગર સંસ્કાર ઉપર હોતો નથીઃ સત્તા ઉપર રહે છે. સત્તાના અધિષ્ઠાતા પટેલ તલાટી અને સંસ્કારના અધિષ્ઠાતા શિક્ષક વચ્ચે આમ જુદી જુદી જાતની સાઠમારીઓ શરૂ થાય છે. શિક્ષક પણ પોતાની આવડતનો ઉપયોગ ગામના ઝગડા વધારવામાં કરતો થઇ જાય છે. અમુક અંશે શિક્ષક ગ્રામસલાહકાર તરીકે તલાટીનો હરીફ બને છે, અને ગામમાં નામજોગ કે નનામી અરજીઓનો પાતાળઝરો ફૂટી નીકળે છે. લોકોમાં જબરા પક્ષ પડે છે.

ચૌદશિયા

આગળ વર્ણવેલા ત્રણે પ્રકારના આગેવાનોમાં એક મહત્ત્વનો ચોથો પ્રકાર સમજવો બહુ જરૂરી છે. આ પ્રકાર ખટપટીયા તરીકે ઓળખાતા આગેવાનોનો છે. ઉત્તર ગુજરાતમાં આ પ્રકારના આગેવાનોને ચૌદશિયાને નામે ઓળખવામાં આવે છે. કાળી ચૌદશે કરવામાં આવતી મેલી સાધના જેવાં કામ આ લોકો કરે છે એ માટે, કે કાળી ચૌદશ જેવા ભયાનક દિવસે તેઓ જન્મવાને પાત્ર ગણાતા હોય એ માટે એ ચૌદશિયા કહેવાતા હશે કે કેમ એ શબ્દાભ્યાસીઓ જાણે. પરંતુ એટલું તો ખરું જ કે ચૌદશિયા શબ્દ બહુ સૂચક છે. તેમના સંબંધમાં એક સરસ લેખ થોડાં વર્ષો ઉપર ઘણું કરી ‘સાહિત્ય’ માસિકમાં આવ્યો હતો. બીજા ત્રણ પ્રકારના આગેવાનો આ ખટપટિયા વર્ગની આગળ ઝાંખા પડી જાય છે. ગ્રામજીવનમાં તેઓ ઝેરી નાગ સમાન છે.

ખટપટિયા આગેવાનો ખટપટ ઉપર, કાવાદાવા ઉપર, ઝઘડાઓ ઉપર જ જીવે છે, અને પુષ્ટ થાય છે. ભાંજઘડ એ તેમની રોજીનું