આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ : ૨૬૩
 


આદર્શ બની ચૂક્યાં એમ સમજી લેવું. સત્કાર્ય સર્વદા પ્રસરે છે. એક આદર્શ ગામ અનેક આદર્શ ગામો ઊભાં કરી શકશે.

નિરાશાવાદ

પરંતુ ધ્યેયને સફળ કરવાનો પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે મનુષ્ય નિરાશાવાદી બની જાય છે. ‘એ તે કાંઈ બને ? એ તો કલ્પના છે. આપણા ધાર્યા પ્રમાણે બધું બને જ નહિ. ઠીક છે ! જે થતું હોય તે સાધારણ કરવું. બાકી ગામ નમૂનેદાર બનાવવું અશક્ય છે.’ આવા ઉદ્‌ગાર અને આવા નિરાશાસૂચક ભાવ આછા આછા સંભળાય છે. કારણ સાધનત્રય આપણી પાસે હોતાં નથી. કામ કરનાર હોય તો ધન ન હોય; ધન હોય તો લોકોનો વિરોધ હોય, અને લોકો તૈયાર હોય તો કાર્યકર્તાઓ ન મળે અગર મળ્યા હોય તો ખામીભરેલા હોય.

કામ દુર્ઘટ પણ
અશક્ય નહિ

વાત ખરી છે કે નમૂનેદાર ગામ બનાવવું સહેલ નથી. એ દુર્ઘટ તો છે જ. પરંતુ કાર્યનું દુર્ઘટપણું ભીષણ પ્રયત્ન માગી લે છે, નહિ કે નિરાશા અને નિરુત્સાહ, ધ્યેય સફળ કરવું દુર્ઘટ હોય તેથી તે અશક્ય બનતું નથી. સત્તાના શોખીન નેપોલિયન ‘અશક્ય’ શબ્દનો કોષમાંથી જ બહિષ્કાર કરવા કહેતા. નેપોલિયનના કરતાં પણ વધારે દૃઢ નિશ્ચય ગ્રામસેવકે કરવાનો છે. નેપોલિયનની માફક છેલ્લી ઘડીએ હારવું એ ગ્રામસેવકને જરાપણ પાલવે એમ નથી. આદર્શ સિદ્ધિમાં અવિશ્વાસ કે અશ્રદ્ધા રાખનારે એ કાર્યમાં બિલકૂલ પડવું જ ન જોઈએ. નિરાશાને ક્ષણ માટે પણ સેવનાર કાર્યકર્તા ગ્રામોન્નતિનું કાર્ય માથે ન જ લે એ ઇચ્છવા જેવું છે. એ જ પ્રમાણે ભાડુતી માણસો – ભાડુતી સેવકો પણ કાર્યને અશક્ય બનાવી મૂકે એમ છે.