આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨ : ગ્રા મો ન્ન તિ
 


(૪) બજારને સ્થળે ગાડાં ઊભા રહેવાની જગા તેમ જ માલ ભરવાની વખારો તથા માલ વેચવા માટેની દુકાનોનું સાધન તૈયાર કરવું જોઇએ. હિંદમાં મકાનો પાછળ બહુ ખર્ચ કરવાની સરકારોને ટેવ પડેલી છે. એ ખર્ચાળ ટેવ જેમ બને તેમ ઓછી કરી નાખી, બહુ જ ઓછા ખર્ચે તૈયાર થઈ શકતી માટીની પડાળીઓ, વાંસ કે પાલાના માંડવા, અગર એવી જ કોઈ સોંઘી રચના બજારો માટે કરવી જોઈએ. નહિ તો તાલુકે તાલુકે બજાર કરવાના બાંધકામમાં કરોડો રૂપિયાનો વ્યય થઈ જાય, જેમ કરવાની હિંદુસ્તાનમાં જરા ય જરૂર નથી.

(૫) બજાર સ્થાપન કરવાનું કાયદાથી ઠરાવવું જોઈએ.

(૬) બજારમાં વાપરવાનાં વજન, માપ, તોલ, તથા કાટલાં સર્વગ્રાહ્ય અને કાયદાપૂર્વક ઠરેલાં હોવાં જોઇએ, અને તે જ વ૫રાય છે કે કેમ, તે જોવાની સરકારી તથા અર્ધ સરકારી અમલદારોની ફરજ ગણાવી જોઈએ.

(૭) ભાવ સંબંધમાં ખેડૂતો સમજી શકે એવી માહિતિ બજારમાં ઉપલબ્ધ રહેવી જોઈએ.

(૮) વ્યાપારીઓ તથા ખેડૂતોની બનેલી એક સમિતિ બજારના નિર્બન્ધ માટે સ્થાપન કરવી જોઇએ. અને ભાવતાલના ઝગડાનું નિરાકરણ કરવાની સત્તા એ સમિતિને અપાવી જોઈએ.

(૯) બજારનું ખર્ચ ચલાવવા માટે સરકારે અને લોકોએ મળીને રકમ ઊભી કરવી જોઈએ. ચારે પાસથી ચાલતી લૂંટ અટકતાં પોતાના ફાયદા માટે વિકસેલી બજાર જેવી સંસ્થા ચલાવવા, બજારનો લાભ લેનાર ખેડૂતો જરૂર પ્રવૃત થશે જ.

(૧૦) બજારો સગવડ પ્રમાણે જુદી જુદી વસ્તુઓનાં પણ હોઈ શકે, અગર મિશ્ર વસ્તુઓ માટે પણ હોઈ શકે.