આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પણ આછો – અને એ અનુભવ – તે પણ અધૂરો અને ઉતાવળો – મને ‘ગ્રામોન્નતિ’ નામની એક લેખમાળા લખવા પ્રેરી શક્યો. ‘યુવક’ માસિકમાં એ લેખમાળાનો કેટલોક ભાગ આવી ગયો છે. એ લેખમાળા તે મારા પ્રયોગોનું બીજું પરિણામ.

એ લેખમાળામાં અન્ય લગતા લેખો ઉમેરી લેખમાળાને આ ગ્રંથમાં સંપૂર્ણ કરું છું. એ શાસ્ત્રીય અભ્યાસ ન કહેવાય. એમાં આંકડા નથી, ખાસ કડીબદ્ધ વિષયનિરુપણ નથી, નવીન શોધખોળ નથી કે નવું માર્ગદર્શન નથી. એમાં પુનરુક્તિ પણ છે. ગ્રામોન્નતિના પ્રશ્નની મહત્તા, વિપુલતા, વિકટતા અને સરળતા મને જેમ સમજાયાં તેમ પ્રગટ કરવાનો પ્રયત્ન આમાં કર્યો છે. ગ્રામજીવન પ્રત્યે સહુની જાગૃત થએલી સહાનુભૂતિ અને રસને જાગૃત રાખવામાં આથી આછો વેગ મળે તો બસ છે. ગ્રામજીવનના નિષ્ણાત તરીકે નહિ, પરંતુ ગ્રામજીવનના નમ્ર ભક્ત તરીકે આ પુસ્તક હું પ્રસિદ્ધ કરું છું.


૧૨ જાન્યુઆરી ૧૯૪૦ }
રમણલાલ વસંતલાલ દેસાઈ