આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બ જા ર : ૬૩
 


(૧૧) બજારમાં ચાલેલા વ્યવહારની તથા તેના ખર્ચના હિસાબની પૂરેપૂરી જાહેરાત થવી જોઈએ.

બજાર ખાતાં.

હિંદી સરકારે મોટે ખર્ચે બજાર ખાતું સ્થાપ્યું છે અને કેટલાંક પ્રાંતિક તેમજ દેશી રાજ્યોમાં બજાર અમલદારોની નિમણુંકો પણ કરવામાં આવેલી છે. હજી ભારે ખર્ચ પગારદાર નોકરોદ્વારા ચલાવાતાં આવાં ખાતાંમાં અવલોકનો અને તપાસનું જ કામ ચાલુ છે. આ તપાસોમાંથી ખેડૂતની સ્થિતિ સુધરે એવી યોજનાઓ ખીલી નીકળે એમ આપણે આશા રાખીએ—જો કે અત્યાર સુધી તો ખર્ચાળ નિમણુંકો અને માત્ર અંગ્રેજી ભણેલાઓ–અને તે પણ જેમનો તે વાંચ્યા વગર છૂટકો ન થાય તેવા અમલદારો–એવાં વિદ્વત્તાભર્યાં નિવેદનો અને જૂજજાજ પ્રયોગશાળાઓ સિવાય બીજું કંઈ પરિણામ આવેલું દેખાતું નથી. આવાં ખર્ચાળ મહેકમો પાછળ થતો પગાર અને ભથ્થાભાડાંનો ખર્ચ જોતાં ખેડૂતનાં દૃષ્ટિબિંદુથી ફરિયાદ કરવાનું કારણ તો રહેશે જ કે ખર્ચાતી રકમ જેટલો પણ બદલો ખેડૂતના ઉત્પન્ન વધારવા માટે મળતા હશે કે કેમ એ શંકા ભરેલું છે.

ગ્રામોન્નતિ અને
ખર્ચાળપણું.

મોટાં મકાનો, ભારે પગારો, અને મોગલાઈ ઠાઠ જો ગ્રામોન્નતિના પ્રદેશમાં પ્રવેશ કરશે તો એ ગ્રામોન્નતિ પોકળ, નિર્જીવ, અને નિર્માલ્ય દેશદ્રોહી અમલદારો ઉપજાવવાની જ યોજના બની રહેશે. ભારે પગારનું ભૂત જેમ બને તેમ હિંદમાંથી વહેલું અદૃશ્ય થાય તેમ વધારે સારું. અને ગ્રામોન્નતિને નામે ખોલવામાં આવતી જગાઓમાં તો ભારે પગાર કલંકરૂપ જ ગણી શકાય.