આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬ : ગ્રા મો ન્ન તિ
 


ખેતરને સાફ કરવાનું હોય, કચરો દૂર કરવાનો હોય, ઢાળીયા કરવાના હોય, ખાડા કરવાના હોય, અને ખેતરને થોરીયાની વાડ કરવાની હોય. કદાચ પાણીની સગવડ માટે તેને કાચો કે પાકો કૂવો પણ કરવો પડે. કોસ, વરત અને દોરડાં પણ ખરીદવાં પડે. આ બધી ખેતીની આવશ્યક વસ્તુઓ વગર પોતાનાથી ખેતી થઈ શકે નહિ.

આ પોતાના ધંધાના અંગની જરૂરિયાત. પરંતુ ખેડૂત માનવી હોઈ તેને જીવવું પડે છે, ન્યાતજાતમાં રહેવું પડે છે, વ્યવહાર સાચવવા પડે છે, લગ્ન, મરણ જેવી મહત્ત્વની ક્રિયાઓ પણ કરવી પડે છે, અને જો કે કેળવણી અને આનંદને માટે ખેડૂતની પાસે ભાગ્યે કંઈ પૈસો રહે છે, છતાં કોઈ કોઈ વાર તે કોઈ આનંદના કાર્યક્રમમાં ભાગ લે તો તેથી ગ્રામજીવનના ઉદ્ધારકોએ ખેડૂતના ઉડાઉપણા ઉપર તૂટી પડવાની જરૂર નથી. આનંદ વગરનું જીવન વેઠરુપ છે, અને વેઠમાં દિવસ ગુજારતા ખેડૂતને જીવતો રાખવો હોય તો તેને જગતે આનંદમાં વધારે સાધનો આપવાં જોઈશે. આમ તેના ધંધાને અંગે અને તેના સામાજીક જીવનને અંગે ખેડૂતને પૈસાની જરૂર રહે છે અને એ પૈસો તે શાહુકારની પાસેથી મેળવે છે.

ધીરધારનો ધંધો

શાહુકારની ત્રીજીચોથી પેઢીનો પૂર્વજ દોરી લોટો લઈ મારવાડમાંથી કે ગુજરાતમાંથી ગામડે આવી વસેલો હોય છે. એની ઝીણી—વ્યાપારી દૃષ્ટિ શૂન્યમાંથી સંપત્તિ મેળવી આપે છે. મીઠુંમરચું વેચવાની શરૂઆતમાંથી શાહુકાર આખા ગામમાં અગર આખા ટપ્પામાં ધીરાણ કરવાનું સામર્થ્ય મેળવી શકે છે. વ્યાપારી બુદ્ધિ પૈસો, મિલકત, અને સત્તા કેવી રીતે મેળવી શકે છે, તેનું દૃષ્ટાન્ત શાહુકારી પદ્ધતિ બહુ સારી રીતે પૂરું પાડી શકે એમ છે.

ધીરધારનો ધંધો અતિ પ્રાચીન છે, મનુસ્મૃતિમાં પણ તેનો ઉલ્લેખ