આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહુકારી પદ્ધતિ સુધારવાના પ્રયાસો : ૭૭
 


હજારો વીઘાં જમીનની માલિકી કરી બેસનાર નાણાવટીને એ જમીન ખેડાવવી તો પડે જ. મજુરો દ્વારા થતી ખેતી વેઠ કાઢવા સરખી જ હોય છે. એટલે અંતે જમીન નિરૂત્પાદક બની જાય છે. ખેતીની ઘટતી આવક અંતે બની બેઠેલા માલિકને –શાહુકારને જ મુશ્કેલીમાં નાખે છે. ખેતી ન કરનારના હાથમાં જમીન મૂકવા દેવી એ સામાજીક વિચારણાને અંગે ભારે દોષ અને ગુનો બને છે.

સુધારણા

એટલે ખેડૂતોની જમીન ખુંચવી લેતી શાહુકારી પદ્ધતિ એ અકુદરતી અને અસ્વાભાવિક ઘટના છે. એને અટકાવવી જ જોઈએ. એ ભાવનામાંથી જમીન અને ખેડૂતોના સંસર્ગ દીર્ઘ બને એ ઉદ્દેશથી કાયદાઓ રચાવા માંડ્યા.

માર્ગ

રૈયતવારી પદ્ધતિમાં જમીન એ ગીરો વેચાણની ક્રિયા અંગે હાથ ફેર–માલિકી ફેર થાય એવી મિલકત ગણાઇ ચૂકી હતી. એ ઉપર અંકુશ એક અગર બીજી રીતે મૂક્યા સિવાય જમીન અને ખેડૂતનો લાભકારક સંસર્ગ ચાલુ રહે નહિ. એટલે ખાસ કરી નીચેના ઉદ્દેશવાળા કાયદાઓથી શાહુકારી સંસ્થાદ્વારા વેડફાતી કૃષિભૂમિને સાચવી શકાય એમ લાગે છે :—

(૧) પછાત વર્ગના લોકોની જમીનના ગીરોવેચાણ હક્ક ઉપર નિર્બંધ મૂકી તેમના હાથમાંથી જમીન જતી રહેતી અટકાવવી.

(૨) ખેડૂત કે ગણોતિયાના ખેડહક્કનું સંરક્ષણ કરવા તેના અને ખાતેદારના હક્કો કાયદાથી જ નિર્ણિત થાય એમ ગોઠવણી કરવી.

(૩) ખેતીની જમીન પ્રત્યક્ષ ખેતી ન કરતા વર્ગના હાથમાં જાય જ નહિ એવી વ્યવસ્થા કરવી.