આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
... મુજ સ્વામી સાચા
૯૫
 


‘તો ચાલો આપણે તિલ્લુને ઝટપટ સમજાવી દઈએ.’

‘પણ મારે તો અત્યારે મારાં કૂતરાં જોડે મૉર્નિંગ વૉકમાં જવાનું છે.’

‘અરે, જરા મોડાં જજો. આપણી ઉપર આવી આફત આવી છે ત્યારે તમને કૂતરાં કેમ યાદ આવે છે.’

‘આ તમે અષ્ટગ્રહીની મોંકાણ માંડી છે ત્યારથી મને તો એક જ ચિંતા થયા કરે છે: મારાં કૂતરાંનું શું થશે ?’

‘અરે, અત્યારે તો ચિંતા છે કે આપણું પોતાનું શું થશે ? આપણી તિલ્લુનું શું થશે ? અષ્ટગ્રહી પહેલાં જ આ લોકો તો આવીને બેઠા છે તિલ્લુને લઈ જવા.’

‘એમની મજાલ છે, પારકી છોકરીને પરાણે ઉઠાવી જાય ! આમ પિસ્તોલ બતાવીને તે કોઈ પરણવા આવતું હશે ?’

‘એ તો હવે તિલ્લુને તમે ઝટપટ સમજાવો તો જ કામ થાય. તિલ્લુ ચોખ્ખું કહી જ દે કે હું પ્રમોદકુમાર જોડે નહિ પરણું, તો જ આ પ્રકાશશેઠની બલા ટળે.’

‘ચાલો, સમજાવીએ. હું મૉર્નિંગ વૉકમાં જરા મોડી જઈશ.’

પતિ–પત્ની બેઉ તિલ્લુના ઓરડા તરફ જતાં હતાં ત્યાં સામેથી સેવંતીલાલ મળ્યા. એમણે વફાદાર મહેતાજીની અદાથી ઊભા રહી જઈને સમાચાર આપ્યા :

‘હૉસ્પિટલમાંથી ફોન હતો. બૅરિસ્ટર બુચાજી...’

‘ઊપડી ગયા કે નહિ ?’ લેડી જકલે પૂછ્યું.

‘એને સન્નિપાત થઈ ગયો છે, અને ‘ટિલ્લુ’, ‘ડીયર ટિલ્લુ’ એમ જ બકવાટ કર્યા કરે છે.’

‘મરે મૂઓ એ ડાગળો. જલદી ડુંગરવાડી ભેગો થાય તો જાન છૂટે.’

‘તમે એનું મૃત્યુ વાંચ્છશો તો એ વધારે જીવશે.’

‘ત્યારે શું એને શતં જીવ શરદઃ એવો આશીર્વાદ આપું?’