આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘તમે કશું જ ન કરો. એને કુદરત ઉપર છોડી દો. જે થવાનું હશે તે થશે.’

‘ભલે,’ કહીને લડી જકલ આગળ ચાલ્યાં. તિલ્લુના ઓરડામાં પેસતાં એમણે જોયું કે પુત્રી તો ક્યારની જાગીને બેઠી હતી, તેથી એમનાથી પુછાઈ ગયું :

‘આટલી વહેલી ઊઠી છે ?’

‘મારે નૃત્યની પ્રેક્ટિસ વહેલા પરોઢમાં જ કરવી પડે છે.’

‘એક આ નૃત્યે નખ્ખોદ કાઢ્યું.’

‘હજી સુધી તો નથી કાઢ્યું, અને કોઈ કાઢી પણ નહિ શકે, જો તિલ્લુ જરા સમજદારી બતાવશે તો.’

‘શી સમજદારી બતાવુ. બાપજી ?’

‘તેં પ્રમોદકુમાર જોડે પરણવાનું નક્કી કરેલું છે ?’

‘તમારી જ સૂચનાથી.’

‘તો હવે અમારી સૂચના છે કે તું ન પરણીશ. લાખ વાતે પણ ન પરણીશ.’

‘કેમ ? શા માટે ?’

‘કારણ તને પછી નિરાંતે સમજાવીશું. પણ અત્યારે તો એ લોકો અહીં આવીને બેઠા છે. એમને તારે ઘસીને ના કહી દેવાની છે.’

‘શું?’

‘કે હવે હું પરણવા જ માગતી નથી.’

‘પણ હું તો પ્રમોદકુમારને કૉલ આપી ચૂકી છું.’

‘એ કૉલ કેન્સલ કરજે.’

‘આ કાંઈ ટેલિફોનના ટ્રંક બુકિંગ છે કે કૉલ કૅન્સલ કરી નખાય ? આ તો લગ્ન જેવી પવિત્ર વાત ગણાય.’

‘પણ એ લગ્ન કરવા માગનાર અપવિત્ર છે એનું શું ? એની દાનત શુદ્ધ નથી. એ પ્રમોદકુમાર તને પરણીને મને બાવો બનાવવા માગે છે.’