આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
ગ્રહાષ્ટક વત્તા એક
 


‘આવ્યા તો ભલે આવ્યા. આમેય આ સેંકડો સાધુ–બ્રાહ્મણો અહીં રોટલા ખાય છે તો એમાં બે જીવ વધારે.’

‘અરે, રોટલાને ક્યાં રડો છો ? —એની પિસ્તોલની ગોળીમાંથી આપણે બચી ગયાં એ જ મોટી વાત ગણો ને ? જાન બચ ગઈ, લાખો પાયે.’

‘એ પિસ્તોલ તો તમે કબજે કરી લીધી છે ને ?’

‘એમાં હું ભૂલ કરું ખરો ?’ સર ભગને ખિસ્સામાંથી પ્રકાશશેઠની પિસ્તોલ કાઢીને હાથમાં રમાડતાંરમાડતાં કહ્યું, ‘તિલ્લુની નાટકની પિસ્તોલ જોઈને એમણે આ ફેંકી દીધી, એવી જ મેં ઊંચકી લીધી.’

‘એ હવે સંઘરી રાખજો.’

‘કેમ ?’

‘સંઘર્યો સાપ પણ કામ આવે.’

‘પણ એ સાપ નથી, પિસ્તોલ છે.’

‘એ તો વધારે કામ આવે. આજકાલ આપણા ઉપર અષ્ટગ્રહીની આફત તોળાઈ રહી છે ત્યારે તો આવું સાધન હાથવગું જ રાખવું સારું.’

જીવલેણ આફતમાંથી આજે થયેલા છુટકારાની ખુશાલીમાં સર ભગને બ્રેકફાસ્ટ ઉપર વધારે સમય ગાળ્યો. પૉરિજ એક વાર પુરું થઈ ગયું તે એમણે બીજી વાર મંગાવ્યું. સાથે સાથે એમણે સેવંતીલાલને હુકમ કર્યો :

‘આજનાં છાપાં ?’

‘તૈયાર છે, સાહેબ.’

આખા બ્રેકફાસ્ટ ટેબલ ઉપર મોસાળાની છાબની ઢબે છાપાં પથરાઈ ગયાં અને એમાં ઠેરઠેર, અસ્સલ અઢાર કૅરેટનાં સોનાના અલંકારોની જેમ પ્રકાશશેઠની છબીઓ ચમકી રહી.

‘અરે, આ પ્રકાશશેઠ તો સાચે જ પ્રકાશી ઊઠ્યા છે ને ?’