આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અમૃતમાંથી ઉદ્વેગ
૧૧૭
 


કરે એ કરતાં તો અહીં આપણે ઘેર જ પડી રહે એ સારું કે નહિ ?’

‘તમારી વાત વિચારવા જેવી તો ખરી,’ સર ભગને કહ્યું, ‘પણ આમ છાણે ચડાવીને વીંછી ઘરમાં લાવવાનું મને બહુ પસંદ નથી.’

‘અરે, પેલા ઝેરી સાપને ઘરમાં પેસવા દીધા પછી આ વીંછીમાં શું વાંધો છે ?’

‘ઝેરી સાપ ? કોણ ?’

‘તમારા પ્રકાશશેઠ, બીજું કોણ ? ચમકના સટ્ટામાં દુનિયાને પાયમાલ કરીને હવે મારી દીકરીને પાયમાલ કરવા આવ્યા છે.’

‘એ બિચારાનો સમય બારીક આવી ગયો. વેપારધંધામાં તો એમ જ ચાલે. કોઈ વાર ચડતી, કોઈ વાર પડતી.’

‘તે પોતાની પડતીમાં આપણને પણ ભેગા પાડવાનો એણે પેંતરો કરેલ ને ?’

‘ડૂબતો માણસ તણખલાને બાઝે, એના જેવું.’

‘પણ આપણને બાઝે તો એની જોડે આપણે પણ ડૂબી મરીએ ને ?’

‘અરે, તમે હજી જુઓ તો ખરાં, લેડી જકલ, આમાંથી કાંઈક જુદો જ ઘાટ ઊતરશે.’

‘ધૂળ ને ઢેફાં ઘાટ ઊતરશે ? લાખોપતિ ઉઠીને બાવાને વેશે બાવાસાધુ જોડે રહે એ માણસનો હવે વળી શો ઘાટ ઊતરવાનો હતો ?’

સેવંતીલાલે વચ્ચે પૂછ્યું : ‘સાહેબ, બુચાજીને હૉસ્પિટલમાંથી અહીં લાવવા જાઉં કે ?’

‘છૂટકો છે કાંઈ ?’ સર ભગન બોલ્યા.

‘હાથે કરીને શા માટે ઘરમાં ઘો ઘાલો છો ?’ લેડી જકલ હજી વિરુદ્ધ હતાં.