આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૧.
પણ કંદર્પ ક્યાં ?
 

ખટમીઠું, મધુરું, અસ્સલ ફ્રેન્ચ વિનયાર્ડના શેમ્પેઈનના સ્વાદ જેવું શવ્રોલે ઈમ્પાલાનું ભૂંગળું સાંભળતાં જ ગુરખો ગુરુચરન સાબદો થઈ ગયો. એણે નેપાળી નિયમ મુજબ સદૈવ ઢળેલી રહેતી પાંપણો પરાણે ઊંચકવાનો વ્યર્થ પ્રયત્ન કરીને પોતાના જન્મજાત પૌરુષની જાહેરાત કરવા તીણો ખોંખારો ખાઈ બતાવ્યો.

કામશાસ્ત્રી છતાં મહર્ષિ વાત્સ્યાયને વર્ણવેલ હસ્તિની સ્ત્રીની શૈલીએ શેવ્રોલે પણ ઘડીક ડાબી સ્પ્રિંગ ઉપર તો ઘડીક જમણી સ્પ્રિંગ ઉપર અચકાતી લચકાતી, મદમાતી ને શેલપતી રાણીપાઠમાં ઊતરેલી નવીસવી એમેટર અભિનેત્રીની અદાથી ‘શ્રીભવન’ના દરવાજામાં દાખલ થઈ.

ગુરુચરને હડેયુહુમ્મ કરીને લગભગ લશ્કરી ઢબે જ શેઠજીને સલામ ભરી દીધી.

પણ ગાડીમાં પહોળા થઈને પથરાઈને પડેલા સર ભગને ગરીબ ગુરખાની એ સલામ આજે ઝીલી જ નહિ.

દરવાન તરીકેની ગુરુચરનની લાંબીલય કારકિર્દીમાં આ પહેલો જ બનાવ હતો, પોતે ભરેલી સલામ સર ભગને ઝીલી ન હોય એવો આ સર્વપ્રથમ અનુભવ હતો.

પણ એમાં સરનો કશો વાંક નહોતો. વાંક કોઈનો હોય તો વિધાતાનો હતો, વિધાતાએ યોજેલી ગ્રહોની રચનાનો હતો, એ ગ્રહોની થઈ રહેલી યુતિનો હતો. અવકાશમાં ભ્રમણ કરતા એ આઠેઆઠ ગ્રહોને ભાર અત્યારે સર ભગનના દિલ અને દિમાગ