આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.







૧૫.
બ્રહ્મગોટાળો
 

‘હવે રાખો રાખો, ભગવાનજી વેવાઈ…આવી વાયડી વાતું કરવી રેવા દિયો…’

‘અરે પણ આટલાં વર્ષ વીતી ગયાં પછી તમે ખીમચંદનાં લગનની વાત કરો, એ તે ક્યાંનો ન્યાય ?’

‘તી લગન તો લગનને સમે જ થાય કે વહેલાં થાય ? ને અમારા ઘરનો સંજોગ પણ જોવો જોઈએ કે નહિ ? ઉપરાઉપરી છ વરસથી અમારા ઘરમાં શોગ જ હાલ્યા કરતો’તો. મારું તો કળસીએક કુટુંબ… એકનો શોગ માંડ માંડ પૂરો થાય ત્યાં બીજું કોઈ પાછું થાય. બીજાનો પૂરો થાય ત્યાં ત્રીજું… આમ હું કેમ કરીને ખીમચંદના લગન લઉં ?’

‘પણ અમે તો એ વાત જ ભૂલી ગયા હતા કે તિલ્લુનું વેવિશાળ તમારા ખીમચંદ વેરે કરેલું.’

‘હવે રાખો, રાખો, ભગવાનજી વેવાઈ, તમે બહુ રોનક કરી આજે. પણ ભલા માણહ, લગન – પરિયાણ જેવી વાતમાં તી આવી સુગલ કરાય ?’

‘હું સુગલ નથી કરતો. સાચું કહું છું. આપણાં છોકરા–છોકરીના વેવિશાળની વાત જ અમે તો સાવ ભૂલી ગયાં હતાં.’

‘તમે તો મજાના આવી વાત ભૂલી જાઓ પણ હું એમ શેનો ભૂલું ? તમને તમારું નાક વહાલું નહિ હોય, પણ આ વખત વેરસીએ પોતાનું નાક હજી ઘરાણે નથી મેલ્યું, હાં !’