આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રહાષ્ટક વત્તા એક
 

એને તિલ્લુ કહીને બોલાવતાં. અને તિલ્લુના હાથનો હાથે કરીને બની બેઠેલો ઉમેદવાર કંદર્પ વળી વધારે પડતું વહાલ દર્શાવવા એને તિલ્લી કહીને જ સંબોધતો.

આ કંદર્પ કોણ હતો એ વિશે તો અમે પોતે જ પૂરું નથી જાણતા, ત્યાં તમને શી માહિતી આપીએ ? આ પૃથ્વીના પટ ઉપર બહુ ઓછા માણસો કંદર્પ વિશે કશું જાણે છે. કંદર્પ પોતે પોતાની જાતને કથકલિ નૃત્યનો અઠંગ ઉસ્તાદ ગણાવતો, અને પોતાના બનાવટી નામની મોખરે નર્તકરાજ એવું ઉપનામ વાપરતો. ઘણી વાર એ પોતાને નટરાજ શંકર ભગવાન તરીકે પણ ખપાવતો અને એ હેસિયતથી તિલ્લુને પાર્વતી ગણીને એની જોડે સંલગ્ન થવા આકાશપાતાળ એક કરી રહ્યો હતો.

હવે આમાં મુશ્કેલી એ આવી હતી કે સર ભગનને તેમ જ તેમનાં પત્ની લેડી જકલને કાંદા અને નૃત્ય બેઉ પ્રત્યે એકસરખી જ સૂગ હતી. દૂરદૂર ‘શ્રીભવન’ના માળી રામશરણના આઉટ હાઉસની ઝૂંપડીમાં કાંદા-લસણ સમારાતાં હોય છે એનો વઘાર થતો હોય તો એની વાસથી પણ શેઠશેઠાણીને ઓકારી આવતા માંડતી. એથીય વધારે સૂગ એમને નૃત્ય અને નૃત્યકાર પ્રત્યે હતી. નૃત્યપ્રવૃત્તિ કરનારાઓને તેઓ નાચણિયા-કુદણિયા કહીને જ ઓળખતાં, અને એમને માટે ‘વંઠેલા’ કરતાં વધારે સારું વિશેષણ કદી વાપરતાં જ નહિ. આવી સ્થિતિમાં મુફલિસ નૃત્યકાર પોતાની પુત્રીનો હાથ ઝાલવા મથે અને સર ભગનના ઔદ્યોગિક સામ્રાજ્યનો ભાવિ વારસ બનવા માગે છે તે સાંખી જ શેં શકાય ?

જિંદગી આખીની કરી કમાણી ધૂળમાં મળતી હોય, દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવવાનો વારો આવ્યો હોય, એવો વસમો અનુભવ શેઠને થઈ રહ્યો હતો, એમાં વળી આ અષ્ટગ્રહીની વાત આવી એથી તો તેઓ દિશાશૂન્ય થઈ ગયા હોય એમ રૉબોટ–રમકડાની પેઠે દાદરો ચડી રહ્યા.