આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કન્યાદાન કોને ?
૧૫૩
 


‘આ તો સાચે જ ઘરણટાણે સાપ નીકળ્યો કહેવાય.’ સર ભગન પત્નીને મોઢેથી ‘બાલ્કની દૃશ્ય’નો અહેવાલ સાંભળ્યા પછી બોલી રહ્યા હતા.

‘આના કરતાં તો પેલો નાચણિયો કૂદણિયો સાત થોકે સારો હતો.’ લેડી જકલ કહેતાં હતાં.

‘મને પણ લાગે છે કે તિલ્લુ આવા ગામડિયા ગમારને જાય એ કરતાં તો પેલા ગરીબ કલાકારને પરણે તો એ વધારે શોભે.’

‘ને સમાજમાં આપણો કલાપ્રેમી તરીકે મોભો પણ વધે.’

‘હા જ તો. જુઓને, રાવબહાદુર ઈસરદાસજીની છોકરી રન્ના પેલા ન્યુડિસ્ટ ચિત્રકાર અવધૂતને પરણી, એમાં તો રાવબહાદુર પોતે મોડર્ન આર્ટના પૅટ્રન ગણાઈ ગયા.’

‘ને પેલાનાં ચિત્રો જુઓ તો સાવ ઉઘાડાં જ માથે આબરૂનું ઢાંકણ જ ન મળે.’

‘એ અવધૂત તો પોતાને હિન્દુસ્તાનનો પિકાસો ગણાવે છે. નગ્ન ચિત્રશૈલીનો એ પિતા ગણાય છે.’

‘મૂઓ એ પિતા ! એનાં ચિતરકામ જોઈનેય લાજી મરીએ અમે તો. માણસ જેવાં માણસ સાવ ઉઘાડાં. માથે આબરૂઢાંકણ પહેરણું તો ઠીક પણ આછી ચીંદરડી પણ ન મળે.’

‘એનું નામ જ અર્વાચીન કલા કહેવાય છે. એટલે જ તો એ અવધૂતના પ્રદર્શન ઉપર પોલીસની રેઈડ પડેલી ને ?’

‘ને એ રેઈડ પડ્યા પછી જ, કહે છે કે રન્નાએ એને પરણવાની હઠ લીધેલી. પોલીસે ચિત્રો જપ્ત કર્યા ત્યારે જ રન્નાને ભાન થયું કે અવધૂત મહાન કલાકાર છે.’

‘ના, એ ચિત્રો જ મૂળ રન્નાનાં હતાં.’

‘રન્નાએ દોરેલાં ?’

‘ના, રન્ના ઉપરથી દોરાયેલાં.’

‘એટલે ?’