આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
ગ્રહાષ્ટક વત્તા એક
 

 આ ગલીમાંની ઊડતી ભેજ અને ગટરની મિશ્ર વાસ ખમાતી નહોતી. તેથી તેઓ તો નાક આડે રૂમાલ દાબીને ચાલતાં હતાં. ને મનમાં ને મનમાં નૃત્યકારને ભાંડી રહ્યાં હતાં : ‘બળ્યા એના નાચણવેડા ! આવા નર્કાગારમાં એ જીવતો હશે કેમ કરીને ?’

‘ના, ભાઈ ના. આવું વિચિત્ર નામ તો અમે કોઈ દી ક્યાંય સાંભળ્યું નથી.’ શેરીના સહુ માણસો કહી ૨હ્યા ત્યારે સર ભગને ડ્રાઈવરને પૂછ્યું.

‘સરનામું બરાબર છે ?’

‘બરાબર જ છે.’

લેડી જકલને વ્યવહારુ બુદ્ધિ સૂઝી. એમને સમજાઈ ગયું કે આ ફેન્સી નામ વડે તો કલાકારને કોઈ નહિ ઓળખે. તેથી એમણે પોતાના ભાવિ જમાઈને નામને બદલે કામથી ઓળખી કાઢવા પૃચ્છા કરવા માંડી.

‘અલ્યા ભાઈ, આ ગલીમાં કોઈ નાચવા–કૂદવાવાળો રહે છે કે નહિ ?’

‘પેલા ઊંચા ઊંચા હનુમાનકૂદકા મારે છે એ ?’

‘મારતો જ હશે,’ કહીને લડી જકલે અનુમાન કર્યું કે કથકલી શૈલીનું બીજું નામ કૂદકાશૈલી જ છે.

‘ને લાંબી જટા જેવા વાળ વધાર્યા છે એ જ કે ?’ લોકોએ સામી પૃચ્છા કરી.

‘હા, હા, એ જ.’

‘ને ધોળે દિવસે આંખમાં મેશ આંજીને ફરે છે એ જ કે ?’

‘અદલ એ જ. બીજો કોઈ નહિ.’

‘અરે એ તો આ સામેના મેડા ઉપર રહે છે. પણ હવે મકાનમાલિક એને ખાલી કરાવવાના છે.’

‘કેમ ?’

‘નાચીનાચીને એનો ધાબો ઢીલો કરી નાખ્યો છે, એટલે.’