આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
ગ્રહાષ્ટક વત્તા એક
 


મોંમાંથી સાહજિક ઉદ્‌ગાર નીકળી ગયો :

‘બળ્યું આના કરતાં તો ગિરજો કહે છે તેમ પૃથ્વીનો પ્રલય થઈ જાય તો આ બધી આધિ-વ્યાધિમાંથી છૂટીએ, ઇન્દ્રવિજયનું નાટક ને ચેટક બધું ઊકલી જાય, ને ખીમચંદ ને વખતચંદ બેઉની ઉપાધિ આળસી જાય.’

‘હા, એવું થાય તો તો ઉત્તમ. એથી અદકું રૂડું બીજું શું ? કાંઈ દેખવું પણ નહિ ને દાઝવું પણ નહિ.’ સર ભગન પણ આશ્વાસન અનુભવી રહ્યા.

પણ પતિ–પત્ની શ્રીભવનમાં પહોંચ્યાં ત્યાં તો એમને નસીબે પુષ્કળ દેખવાનું ને દાઝવાનું તૈયાર હતું.

કેડિલેકમાંથી પગ બહાર મૂકતાંની વાર જ સર ભગનને એમના વેવાઈ વખતચંદે પોંખવા માંડ્યા.

‘શેઠ, આ તમારું તે ઘર છે કે ઘોલકું ?’

‘કેમ ? તમને શું લાગે છે ?’

‘અહીં કાંઈ લક્ષણ ખાનદાન ઘરનાં નથી દેખાતાં.’

‘શા ઉપરથી કહો છો ?’

‘આ તમારી દીકરીના દેદાર ઉપરથી.’

‘કેમ ભલા, મારી દીકરીએ તમારું શું બગાડ્યું છે ?’

‘અરે, મારા છોકરાની જિંદગી બગાડી નાખશે. મારા ખીમચંદને નાટકમાં ઉતારવા લઈ ગઈ.’

‘નાટક–નૃત્ય એ તિલ્લુના શોખનો વિષય છે.’

‘તે પોતે ભલે ને શોખ કર્યા કરે, મારા ખીમાને શું કામે એની વાદે કૂચે મેળવે છે ? અરે, અહીંં લગન કરવા આવ્યાં છીએ કે આમ નાટક કરવા ?’

‘બેમાંથી શું થશે એ હું પોતે જ હજી ચોક્કસ કહી શકતો નથી.’

‘શેઠ, મને આ છોકરીના નાચણવેડા પસંદ નથી.’