આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટકનું ચેટક
૧૭૧
 

મચાવ્યું :

‘અલ્યા એય ખીમલા, ઝટપટ બારો નીકળ, નકર થાશે જોયા જેવી.’

‘મેલ તારા નાટકમાં લાલભાઈ, ને થા મોઢાગળ.’

કેટલાક વધારે ઉદ્દામ જાનૈયાઓએ તો તિલ્લુને ઉદ્દેશીને પણ ધમકીઓ ઉચ્ચારી :

‘એલી એય જોગમાયા, અમારા વરરાજાને બારો કાઢ્ય, નીકર થાશે જોયા જેવી, હા ! અમે કોણ છંચે તું ઓળખશ ? જલાલપર–બાદલાનું પાણી.'

‘અમને શું ભાંડ–ભવાયા સમજી બેઠી છે તીં અમારા વરરાજા પાસે આવા નાચણવેડા કરાવે છે? અમે કોણ ? જલાલપર–બાદલાના અરધા ગામધણી.'

અંદરથી કશો જવાબ ન મળ્યો ત્યારે આખરે જીવ પર આવેલા જાનૈયાઓએ બહાર એવી તો બધડાટી બોલાવી કે એનો અવાજ દેવ-દાનવ યુદ્ધના અવાજ કરતાં વધી ગયો, અને રિહર્સલમાં એ અંતરાયરૂપ બની રહ્યો.

અંદર એકાએક રિહર્સલ થંભી ગયું. ગોંગ અને ઢોલક શાન્ત થઈ ગયાં. કાર્તિકેયના ખડૂગપ્રહારો થંભી ગયા.

વિજયોન્મત્ત જાનૈયાઓ બેવડા ઝનૂનથી પોકારી રહ્યા :

‘ખીમચંદ, એલા એય ખીમચંદ !’

ઓરડામાં કશોક અસ્પષ્ટ અવાજ ઊઠ્યો અને એકાએક બારણું ઊઘડ્યું.

જાનૈયાઓ તો પોતે ઊંઘમાં છે કે જાગે છે એવી ભ્રાન્તિ અનુભવી રહ્યા.

બારણાના ઉંબરા પર આવી ઊભેલા ખીમચંદના દીદાર જોઈને જાનૈયાઓ ડઘાઈ ગયા. કેટલાક તો આંખો ચોળતા રહ્યા.

‘આ શું? આ તો ખીમચંદ જ છે કે બીજો કોઈ ?’