આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૨.
બે જ ઉગારનારાં
 

આગળ તિલ્લુ ને પાછળ સર ભગન.

કાચી જેલના કેદીની પાછળ સંત્રી ચાલી રહ્યો હોય એવો એ દેખાવ હતા.

રસોડામાંથી રેણઘર સુધી આવતાં તો સર ભગને પુત્રીને ન કહેવા જેવાં વેણ કહી નાખ્યાં, અને ભેદી રીતે ગુમ થઈ ગયેલા પેલા નટરાજની સાત – સાત પેઢીઓને સામટી પોંખી નાખી.

‘હલકટ—’

‘હરામજાદો—’

‘મલકનો ઉતાર—’

‘વંઠેલી ઓલાદ—–’

‘નાચણિયા-કૂદણિયા એટલે ગામનો ઢેડવાડો—’

કંદર્પને એકેકથી ચડિયાતી સરસ્વતી સંભળાવીને સર ભગન ફરી વાર ફૂલી ગયેલ ફુગાની જેમ હાંફતાંહાંફતાં સોફામાં પડ્યા, અને કંદર્પ, રસોડું અને એના એકાએક અલોપ થવા અંગે વિચારી રહ્યા.

મારી છોકરીના હાથનો એ ઉમેદવાર આવડા મોટા બંગલામાં બીજે ક્યાંય નહિ ને રસોડામાં જ શા માટે આવ્યો ? બંગલામાં આટઆટલા ઓરડા, આટઆટલાં આઉટ હાઉસ, આવડો મોટો બગીચો, એ બધું મૂકીને એણે રસોડું શેં પસંદ કર્યું હશે ?

વાર્તાઓમાં તો આવે છે કે પ્રેમીએ બગીચામાં, ઉપવનમાં જ મળે. સિનેમામાં પણ પ્રેમી નાયક–નાયિકા બનાવટી બગીચામાં બનાવટી ફુવારાની આસપાસ ફેરા ફરીને સંતાકૂકડી રમતાંરમતાં