આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અંધકારનાં અંધારાં
૨૦૧
 


પોતે આ આફતમાં એવી તો અસહાયતા અનુભવતા હતા કે પોતાના રક્ષક સમા એ નેપાળી ગુરખા માટે તેઓ પોકાર પાડી રહ્યા :

‘ગુરુચરન !’

૫ણ શ્રીભવનના સિંહદ્વાર ઉપર સલામતીપૂર્વક નાસી છૂટવા માટે જે ધસારો થયો હતો એમાં ગુરચરનનો ક્યાંય પત્તો લાગે એમ નહોતો.

અંધારી ઘોર રાતે સર ભગન પોતાના બંગલાના પ્રવેશદ્વારની દિશામાં જોઈને પોકારી રહ્યા :

‘ગુરુચરન ! ઓ ગુરુચરન !’

કોઈક પરિચિતોએ શેઠનો આ પોકાર સાંભળ્યો. એમાંથી કોઈકે શેઠને સમાચાર આપ્યા:

‘દરવાજે બેસતા એ ગુરખાને બોલાવો છો ?’

‘હા.’

‘શેઠ, એ ગુરખો તો ક્યારનો મરી પરવાર્યો.’

‘કેવી રીતે ?’

‘આ નાસભાગ થઈ એમાં.’

‘પણ એમાં ગુરખો શી રીતે મરી પરવાર્યો ?’

'આ સહુ લોક અહીં અંધારામાં નાઠાં તે રઘવાટમાં ને રઘવાટમાં દરવાજે એવાં તો અથડાયાં કે એમાં એ ગરીબ બિચારો ગુરખો જીવતો દટાઈ મૂઓ.’

‘એને દાટી દેનારાઓને હું પ્રોસિક્યુટ કરીશ. જેલમાં પુરાવીશ. મારા ઘરમાં ઈલ્લીગલ ટ્રેસપાસ.’

‘ટિલ્લુ ! ટિલ્લુ !’

સર ભગનને કાને શબ્દ અથડાયા.

‘ડીઅર ટિલ્લુ !… ડીઅર ટિલ્લુ.’

‘અરે, આ બેવકૂફ બુચાજી ક્યાંથી બચી નીકળ્યો છે ?’ સર ભગન વિચારી રહ્યા.