આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬.
રૂપિયો બદલાવો
 

સહસ્ત્ર મહાચંડી યજ્ઞના સમાચાર છાપામાંથી વાંચીને આવી રહેલ અષ્ટગ્રહીના અંધકારમાં ડુબેલાં લોકોને જાણે કે આશાકિરણ જેવા પ્રકાશનો અનુભવ થયો.

યુદ્ધત્રસ્ત દુનિયાને શાંતિના સમાચાર મળે એવો આ અનુભવ હતો.

‘ધરતી હજી સાવ સાતાળ નથી ગઈ.’

‘પ્રલય સામે પાળ બાંધનાર, સર ભગન જેવા પરગજુઓ આ દુનિયામાં પડ્યા છે ખરા.’

‘અરે, આવા ધરમના થાંભલાના પુણ્યપરતાપે તો આ પૃથ્વી ટકી રહી છે.’

‘ધરતી કાંઈ. રસાતાળ થોડી ગઈ છે ? ભલે ને અષ્ટગ્રહી આવે કે સોળગ્રહી આવે. સહસ્ત્રચંડી યજ્ઞ થશે એટલે વિમલ તળાવ આડે સતની પાળ બંધાઈ જશે.’

આમ, સર ભગનની અખબારી જાહેરાતને ચારેય બાજુથી આવકાર મળી રહ્યો હતો.

‘આનું નામ મહાજનની મોટાઈ. પાપનો પોરો આવે ત્યારે મહાજન આડા ઊભીને કાયાના કોઠલા રચે.’

‘ને સર ભગન તો મહાજનના પણ મહાજન. એના વડવાઓએ તો રાણી વિક્ટોરિયાનેય નાણાં ધીરીને હિન્દુસ્તાનમાં ઇંગરેજનું રાજ ટકાવ્યું હતું.’

‘હવે આ શાંતિયજ્ઞ થાય પછી સાત સૂર્યગ્રહણ ભલે ને ઘેરાય. કોઈનો વાળ પણ વાંકો થાય તો કહેજો.’