આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તિલ્લુનાં તિલ્લાણાં
૫૭
 


‘હેં !’ સર ભગનનો સાદ ફાટી ગયો.

‘મને તો એની આંખમાં મેલ લાગે છે.’

‘બને જ નહિ. બુચાજીમાં એટલી બુદ્ધિ જ ક્યાં બળી છે ?’

‘પણ એ મૂઓ આજકાલ અહીં પડ્યોપાથર્યો શાનો રહે છે ?’

‘બ્રીફલેસ છે, એટલેસ્તો.’

‘પણ બ્રીફલેસ તો બધા બાર લાયબ્રેરીમાં બેસે ને ?’

‘ત્યાં ચા પીવાના પૈસા ક્યાંથી કાઢે ?’

‘ગમે તેમ કહો, પણ મને તો એ તિલ્લુ સામે જુએ છે કે તુરત પેટમાં ધ્રાસકો જ પડે છે.’

‘એ તમારો વહેમ છે, લેડી જકલ.’ સર ભગને ખાતરી આપી, ‘મનમાંથી આ વહેમ કાઢી નાખો.’

‘અરે, આવી બાબતમાં તમને પુરુષોને શી ખબર પડે ?’ અમે અસ્તરીની જાત તો સામા માણસની નજરને પલક વારમાં જ પારખી કાઢીએ.’

‘શંકા ભૂત ને મંછા ડાકણ.’

‘તમે ભલે ગમે તેમ કહો, પણ મને તો પેલા કંદર્પકુમારનું ભૂત કાઢતાં આ બૅરિસ્ટરનું પ્રેત પેસી જાય એવું લાગે છે. બકરું કાઢતાં ઊંટ પેસે એવું જ.’

‘બને જ નહિ. તિલ્લુએ પોતાની અક્કલ શું ઘરેણે મેલી છે કે આવા ખખડેલ ખટારાની સામે નજર પણ કરે ?’

‘પણ એ ખટારો પોતે જ મલકાતાં મલકાતો તિલ્લુ સામે નજર કર્યા કરે છે એનું શું ?’

‘એ તો હસમુખો માણસ છે, એટલે.’

‘અરે, મૂઓ એ હસમુખો, મારી ભોળી છોકરીને ભરમાવી જશે તો મારે તો ઊલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવું થશે.’

‘અરે એ પહેલાં તો હું પ્રમોદકુમાર જોડે રૂપિયો બદલાવી નાખીશ.’