આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
તિલ્લુનાં તિલ્લાણાં
૫૯
 


બદલાતા ગયા. જાણે મોટા લાવલશ્કરે પડાવ નાખ્યો હોય એવો દેખાવ થઈ ગયો. ગોરા લાટસાહેબે બંધાવેલા આ રાજભવનના એકેએક આઉટ હાઉસમાંથી સર ભગને પોતાના નોકરોને કામચલાઉ બહાર કાઢીને ભૂદેવોને ઉતારા આપ્યા, છતાંય જગ્યાની ખેંચ પડી. તેથી એને સમાન્તર રાવટીઓ તાણવી પડી. તડ પડે ત્યારે રાંકા મોંઘાં થાય એમ, સહસ્ત્રચંડી યજ્ઞને ટાંકણે જ શહેરમાં બ્રાહ્મણોની તંગી ઊભી થઈ. યજ્ઞમાં હવિ અર્પવા માટે એક હજાર બ્રાહ્મણોની સર ભગને વરદી મુકી, પણ ઘણા ભૂદેવો તો મોટી દક્ષિણાની લાલચ પણ જતી કરીને પ્રલયની બીકે ‘દેશભેગા’ થઈ ગયા હતા. એ તો વળી, ભગનજૂથની મિલમાં કામદારો પૂરા પાડનાર કૉન્ટ્રેક્ટરોએ આ ભૂદેવો પૂરા પાડવાની જવાબદારી માથે લીધી ન હોત તો યજ્ઞ જ થઈ શક્યો ન હોત. એ કૉન્ટ્રેક્ટરોએ બહારગામથી બ્રહ્મપુત્રોને મોટીમોટી દાનદક્ષિણા ને દાપાંની લાલચ આપી આપીને આયાત કરવા માંડેલા, તે રોજ સવારે સ્ટેશન પર ગાડીઓ ભરાઈભરાઈને ભૂદેવો આવવા માંડેલા.

ખાસ ગોરા લાટસાહેબ અને એમનાં મેમસાબના વિહાર માટે એક જમાનામાં જે ઉદ્યાન બંધાયેલું ત્યાં જબરજસ્ત રસોડાં શરૂ થઈ ગયાં. ગિરજો જાણે મોટો સરસેનાપતિ હોય એ ઢબે આજકાલ યજ્ઞની આ પૂર્વ તૈયારીઓ ઉપર દેખરેખ રાખી રહ્યો હતો. મહાયજ્ઞ અધિષ્ઠાતા તરીકે એનો રૉફ ને રૂઆબ માતાં નહોતાં. સહસ્ત્રચંડી માટે વિશાળ યજ્ઞવેદી બાંધવાનો કૉન્ટ્રેક્ટ તો ભગનજૂથના ખાસ બીલ્ડર્સ ઍન્ડ આર્કિટેકટર્સને અપાઈ ગયો હતો. તેઓ એક હજાર ઘડા થી સમાઈ શકે એવડો વિશાળ યજ્ઞકુંડ કલાત્મક ઢબે બાંધી રહ્યા હતા.

યજ્ઞનાં દર્શન કરવા અને પ્રલયમાંથી ઊગરી જવા ચારેક લાખ ભાવિકો આવશે, એવો સર ભગનનો અંદાજ હતો. ભગનજૂથની સઘળી મિલના કામદારોને અષ્ટગ્રહીને દિવસે ચાલુ પગારે