આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
ગ્રહાષ્ટક વત્તા એક
 

 આ અષ્ટગ્રહીમાં શુભ કામ ન થાય ?’

‘અરે સેવંતીલાલ !’ સર ભગને બૂમ પાડી.

‘જી સાહેબ.’

‘ગિરજાશંકરને જરા બોલાવજો તો.’

મંત્રીને હુકમ કરીને પછી સર ભગને પત્નીને કહ્યું :

‘હવે તમે એ ભૂદેવને મોઢે જ બધું સાંભળી લો, એટલે સંતોષ થાય.’

દેશભરમાંથી મહાચંડીયજ્ઞ નિમિતે શ્રીભવનમાં આવી રહેલા ધરખમ જ્યોતિષમાર્તંડો અને જ્યોતિષચુડામણિઓના ઉતારા વગેરેની વ્યવસ્થા કરી રહેલ ગિરજો ઉઘાડે ડિલે જ આવી પહોંચ્યો એટલે શેઠે ફરમાવ્યું:

‘આ કાલકૂટ યુગમાં કન્યાદાન કેમ ન દેવાય એ લેડી જકલને જરા સમજાવો.’

ગિરજાએ તો કશો પ્રાસ્તાવિક ખુલાસો કર્યા વિના, સીધું શુદ્ધ સંસ્કૃતમાં જ ભરડવા માંડ્યું :

सप्तग्रह समायोगे
क्षितिशमरणં ध्रुवम् ।
जगत्प्रलयमेवाऽपि
तदानिर्मानुषं जगत् ॥...

‘ગુજરાતીમાં, ગોરબાપા, શુદ્ધ ગુજરાતીમાં બોલો,’ સર ભગને ફરમાવ્યું.

‘શેઠજી, આ શ્લોકનો ભાવાર્થ એમ છે કે સાત ગ્રહોનો યોગ થાય ત્યારે દેશના રાજવી મરણ પામે અને દુનિયાનો પ્રલય થઈ જતાં આખું જગત નિર્મનુષ્ય થઈ જાય.’

‘સાંભળ્યું કે ?’ શેઠે પત્નીને પૂછ્યું.

‘અરે, આ તો હજી મેં સાત જ ગ્રહના યોગનો ફલાદેશ આપ્યો.’