આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

આધિભૌતિક અનુભૂતિ કરાવી શકે તેવી ક્ષમતા ધરાવે છે. નાટકના સ્વરૂપની આ ક્ષમતાને અવલોકવાનું કે અભ્યાસવાનું આપણા સમીક્ષકો વીસરી ગયા છે.

સાહિત્યનું તત્ત્વ નાટ્યપ્રયોગ માટે આવશ્યક છે. નાટકનું એક ઘટકતત્ત્વ હોવા છતાં નાટ્યનું વાઙમય સ્વરૂપ અભિનેયતાને અર્થે જ હોય છે, અને નાટ્ય-પ્રયોગમાં સૌથી મહત્ત્વનું સ્થાન પ્રયોગ – અભિનયનું જ હોય છે. નાટક એ રીતે અભિનયાશ્રિત છે, એ રીતે જ વાણી વિના પણ નાટક શક્ય નથી. નાટક અને સાહિત્યને ગાઢ સંબંધ છે પરંતુ એથી તેની સમીક્ષા તેના વાઙ્‌મય સ્વરૂપને આધારે જ કરી શકાય નહીં. તેની અભિનેયતા પણ ધ્યાન સામે રાખવી પડે. નાટક અને અન્ય સાહિત્યપ્રકારોમાં શબ્દ માધ્યમ છે પરંતુ નાટકનો શબ્દ ક્રિયાત્મક છે. ક્રિયાને પ્રેરનારો શબ્દ નાટકમાં પ્રયોજાય છે, અર્થ પહોંચાડવાની કે છાપ પાડવાની જે શક્તિ શબ્દની છે તેવી જ શક્તિ અભિનયમાં પણ રહેલી છે. શબ્દ અને અભિનયની એકતા દ્વારા પરિસ્થિતિબદ્ધ લાગણીની અભિવ્યક્તિ થાય છે. નાટકની વિશેષતા એ છે કે ભાષાના માધ્યમે નાટકનું કાર્ય અને વસ્તુતઃ પાત્રોક્તિઓ દ્વારા – સંવાદ દ્વારા એટલે કે વાણી અને અભિનયના સંયોજન દ્વારા વ્યક્ત – પ્રગટ થાય છે. કથાકાવ્યો કે નવલકથા આદિમાં પાત્રો, પરિસ્થિતિઓ, ઘટનાઓ, કાર્ય, સંઘર્ષ, પરાકાષ્ઠા આ બધું જ હોય છે. નાટ્યાત્મક ક્ષણો પણ હોય છે છતાં નાટકમાં અભિનય અને વાણી – પાત્રોક્તિ વચ્ચે જે સંવાદિતા છે તે જ તેને વિશિષ્ટતા બક્ષે છે.

નાટકને અન્ય પ્રકારોથી જુદું પાડતું પરિબળ માત્ર અભિનય જ નથી. નાટક મિશ્ર કલા છે. સંગીત, શિલ્પ, સ્થાપત્ય, પ્રકાશ, ધ્વનિ આદિ અનેક કલાઓના સમુચ્ચયથી નાટક મંચ પર પ્રગટે છે. નાટકની સમીક્ષા કરતી વેળાએ તેના વસ્તુ – પાત્ર કે સંવાદની સાથે જ તેના પ્રયોગને – ભજવણીને ધ્યાનમાં રાખવી આવશ્યક છે. ભજવણીને ધ્યાનમાં રાખવા સાથે જ બીજી પણ કેટલીક બાબતો નાટ્યસમીક્ષકે તપાસવી જોઈએ. જેમકે, નાટક ભજવાય છે ત્યારે માત્ર સંવાદ – અભિનય જ નહીં પણ એને ઉપકારક કે અનુરૂપ – આવશ્યક વિભાવ સામગ્રી – સેટિંગ્સ, દૃશ્યયોજના, લાઇટ, સંગીત આદિનાં વિનિયોગની સમીક્ષા અવશ્ય થવી જોઈએ. અન્ય સ્વરૂપોની સમીક્ષા તો પઠન – પાઠન કે ભાવનથી થઈ શકે પણ નાટકની સમીક્ષા કરવા માટે વિશિષ્ટ પ્રકારની ક્ષમતા કેળવવી પડે. મંચ પર ભજવાતા નાટકને પામવા માટે મંચલિપિ, સમૂહનો જ્ઞાન, પ્રકાશઆયોજન ને સંગીતનિયોજનની સમજ કેળવવી આવશ્યક થઈ પડે. નાટક જોયા પછી સહજોદ્‌ગાર કરવો કે નાટક આવું કે તેવું છે તેમ નહીં પણ નાટક તેના સંપૂર્ણ અર્થમાં કેવું પ્રગટ્યું છે તેની સજ્જ ભાવક દ્વારા થતી સમીક્ષામાં કંઈક વજૂદ હોઈ શકે.