આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વાતંત્ર્યોત્તર યુગનું નાટક વિશેનું વિવેચન ⬤ ૧૧૭
 

ભરતકુમાર ઠાકર (૧૯૪૧)

'નાટ્યવિમર્શ'માં ભરત ઠાકર નાટકની સૈદ્ધાંતિક વિવેચના કરે છે. તેમાંના ૧૩ લેખોમાં આરંભના ચાર લેખો અભ્યાસપૂર્ણ રીતે સંસ્કૃત નાટક, રંગમંચ અને પાશ્ચાત્ય નાટ્યવિચારને સ્પષ્ટ કરે છે. 'કાકાની શશી', 'રાઈનો પર્વત', 'જયા જયંત', 'ઢીંગલીઘર' જેવામાં કૃતિલક્ષી સમીક્ષા છે.

'ગુજરાતી નાટ્ય સાહિત્ય વિહંગ દૃષ્ટિ' તથા 'એકાંકી' ઉદ્દભવ અને વિકાસ, બંને લેખોમાં નાટક અને એકાંકીની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરી છે. સેમ્યુઅલ બેકેટ, જયંતિ દલાલ તથા ઉમાશંકર જોશીની નાટ્યપ્રતિભાનો પરિચય કરાવતા લેખ પણ આ ગ્રંથમાં છે.

'સંસ્કૃત નાટક' એ લેખમાં નાટક શા માટે 'દૃશ્યકાવ્ય' છે તેની અભ્યાસપૂર્ણ ચર્ચા તેમણે કરી છે. શ્રાવ્ય કાવ્યના ત્રણ ભેદ, ગદ્ય, પદ્ય, ચંપુ ને દૃશ્યકાવ્યમાં માત્ર 'નાટક'નો સમાવેશ થાય છે તેમ તેમણે નોંધ્યું છે. નાટક અને રૂપકની સમાનતા સિદ્ધ કરી નૃત્ત, નાટ્ય, નૃત્ય અને રૂપકને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃત નાટકની ઉત્પત્તિ અને લાક્ષણિકતાઓ વિશે તેમણે ચર્ચા કરી એવું પ્રતિપાદન કર્યું છે કે સંસ્કૃત નાટક ભારતીય ભૂમિમાં જ જન્મ્યું, વિકસ્યું છે. આ માટે તેમણે ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતનું સંકલન કરી પ્રાચીન સાહિત્ય અને શાસ્ત્રોના સાધાર પુરાવાઓ ટાંકીને સંસ્કૃત નાટકના મૂળની યથાર્થતા સિદ્ધ કરી છે. નાટકનાં અન્ય લક્ષણો વિશે પણ વિશદ – વિસ્તૃત ચર્ચા કરી છે. 'સંસ્કૃત રંગમંચ' એ લેખમાં ભરત નાટ્યશાસ્ત્રમાં ઉલ્લેખ પ્રમાણના રંગમંચ – પ્રેક્ષાગાર – નાટ્યશાળાની ચર્ચા કરે છે. 'પાશ્ચાત્ય નાટ્યવિચાર’માં નાટક અંગે છ તત્ત્વોની ચર્ચા કરી છે. ભારતીય મત પ્રમાણે ત્રણ તત્ત્વોમાં જ તે છ તત્ત્વોનો સમાવેશ થઈ જાય તેમ તેમનું માનવું છે. 'કાકાની શશી', 'જયા-જયંત', 'ઢીંગલીઘર', 'રાઈનો પર્વત’ વિશેની કૃતિલક્ષી સમીક્ષાઓ વસ્તુ-પૃથક્કરણાદિની દૃષ્ટિએ કરી છે. સેમ્યુઅલ બેકેટ વિશેની નોંધમાં તેમનાં નવલકથા અને નાટકોનો આછો પરિચય છે. મુખ્યત્વે નોબેલ પારિતોષિક વિજેતા સેમ્યુઅલ બેકેટનાં જીવન અને સર્જનનો પરિચય તેમણે કરાવ્યો છે. 'વેઇટિંગ ફોર ગોદો'ની અને બેકેટના જીવનચિંતનની ચર્ચા અહીં કરી છે. ઉમાશંકર જોશી, અને જયંતિ દલાલની નાટ્ય પ્રતિભાને બે અલગ લેખમાં પરિચયાત્મક ઢબે વ્યક્ત કરી છે. 'ગુજરાતી નાટ્યસાહિત્ય વિહંગ દૃષ્ટિએ' લેખમાં નાટકના ઉદ્‌ભવથી માંડીને આધુનિક નાટકો સુધીનો વિકાસ આલેખ્યો છે. 'એકાંકી : ઉદ્‌ભવ અને વિકાસ' એ લેખમાં પણ તેમણે એકાંકીના ઉદ્‌ભવથી આધુનિકતાનો સ્પર્શ પામતાં એકાંકીઓ સુધીનો વિકાસ ઇતિહાસ દૃષ્ટિએ આલેખ્યો છે. ભરત ઠાકરે તેમનો પીએચ. ડીનો શોધનિબંધ 'ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન' એ વિષય પર લખ્યો છે.