આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

ડાહ્યાભાઈનાં નાટકો અને રંગભૂમિ પરના પ્રયોગો વિશે તેમણે સંશોધક દૃષ્ટિથી અધ્યયન કર્યું છે. આ સંશોધનગ્રંથમાં તેમણે નાટક અને રંગભૂમિ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી, ડાહ્યાભાઈના આગમન સુધીની રંગભૂમિ અને નાટકની સ્થિતિ વિશે ચર્ચા કરી છે. રંગભૂમિ અને નાટકનો વિકાસ અને વ્યવધાનોની ચર્ચા – સમય સંદર્ભ અને ડાહ્યાભાઈનાં નાટકોના વસ્તુ અને સંકલના વિશે સમ્યક્ સમીક્ષા કરી છે. ડાહ્યાભાઈનાં નાટકોથી ગુજરાતી નાટકમાં જે પરિવર્તન આવ્યું છે તે ધ્યાનપાત્ર છે.

ભરત ઠાકરના મતે 'ડાહ્યાભાઈએ નાટ્યલેખનની શરૂઆત કરી ત્યાં સુધી ગુજરાતી નાટક કથન અને વર્ણનમાં જ મુખ્યત્વે પરિબદ્ધ હતું. ડાહ્યાભાઈનાં આરંભકાળનાં નાટકો પણ એ જ રીતિમાં લખાયેલાં હતાં. ‘અશ્રુમતી'થી એમાં વળાંક આવે છે. પાત્ર નિરૂપણમાં કથનને સ્થાને ક્રિયા પ્રાધાન્ય ભોગવે છે... ગુજરાતી નાટકને કથનમાંથી સંઘર્ષ પર લાવીને ક્રિયાને કેન્દ્રિત કરવાનું, શ્રી જયંતિ દલાલ કહે છે તેમ ‘narrationમાંથી action’ તરફ લઈ જવાનું માન ડાહ્યાભાઈને જાય છે.'૬૧ ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન'

ડૉ. ભરતભાઈ ઠાકર નાટકની સૈદ્ધાંતિક અને કૃતિલક્ષી સમીક્ષા કરે છે. નાટક અને રંગભૂમિના ભેદને સ્પષ્ટ કર્યા પછી પણ નાટકને તેની પ્રતને આધારે જ તપાસે છે. સાહિત્ય સિદ્ધાંતને આધારે નાટકની સમીક્ષા તેમણે કરી છે.

સતીશ વ્યાસ (૧૯૪૩)

'નૂતન નાટ્ય આલેખો', 'આધુનિક એકાંકી', 'પ્રતિમુખ'માં મુખ્ય નાટક વિશેની સમીક્ષાઓ છે. 'કૃતિરાગ'માં અન્ય સ્વરૂપો સાથે નાટકની ચર્ચા કરેલી છે.

'નૂતન નાટ્ય આલેખો'માં નવાં નવ નાટકોની સમીક્ષા છે. સતીશ વ્યાસ નાટક વિશે સ્પષ્ટ અભિગમ રાખે છે. નાટકોની સમીક્ષા કરતી વખતે પણ તેમના મનમાં આ સ્પષ્ટ સમજ રહી છે કે નાટક એ માત્ર સાહિત્યિક સ્વરૂપ નથી. 'નૂતન નાટ્ય આલેખો'ના નિવેદનમાં આથી જ નોંધે છે : જ્યાં સુધી નાટકનું મંચન થતું નથી ત્યાં સુધી એ પરિપૂર્ણ બનતું નથી. નાટ્યપ્રયોગ માટે સરજાયેલી આ બધી રચનાઓ એ દૃષ્ટિએ પ્રત કે આલેખન છે. ભજવાતા નાટકની નહીં પણ નાટકની પ્રતની સમીક્ષા તેમણે કરી છે. એ દૃષ્ટિએ અહીં જે સમીક્ષાઓ છે તે પ્રત્યક્ષ વિવેચન જ છે. તેમણે આ પ્રત-આલેખને આધારે જ તે નાટકોની તખ્તાલાયકીની શક્યતાઓને ખોલી આપી છે. 'આ રચનાઓનું મૂલ્યાંકન કરતી વેળાએ મેં એમાંની મંચનક્ષમતાને પ્રધાનતઃ ધ્યાનમાં રાખી છે. મારો આશય એ રચનાઓમાં રહેલા નાટકને બહાર લાવવાનો સ્પષ્ટ કરી આપવાનો છે.'૬૩

સતીશ વ્યાસ આરંભમાં જ સ્પષ્ટતા કરી નાટ્ય-આલેખની સમીક્ષા કરે છે. નાટકના આલેખના અભ્યાસથી તેની તાખ્તાલાયકીનો તાગ કાઢી શકાય છે. છતાંય