આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

 મુશ્કેલી – મર્યાદા જાણતો હોય તો આજના સંદર્ભમાં જ્યારે અદ્યતન ધ્વનિયોજનાની વ્યવસ્થા હોય ત્યારે ઐતિહાસિક સંદર્ભમાં તેને મૂલવી શકે.

ભરત નાટ્યશાસ્ત્રમાં નટ-પ્રેક્ષક સંબંધ વિશે સમીક્ષા થયેલી છે. નવા સંદર્ભમાં પણ પ્રેક્ષક પર થતી નાટકની અસરો વિશે સભાન રહીને નોંધ લેવી પડે છે. બર્તોલ બ્રેખ્ત જેવા નાટ્યકારો પ્રેક્ષકની તન્મયતામાં નહીં પણ સક્રિયતામાં નાટકની ઇતિશ્રી જુએ છે. આથી વિભાજનશૈલીનો વિનિયોગ નાટકોમાં કરે છે. નાટક અહીં અંધકારમાં નહીં પણ અજવાળામાં બતાવાય છે. નટ-પ્રેક્ષક સંબંધ વિશે સમીક્ષકે પણ સભાન રહી ચર્ચા કરવી આવશ્યક હોય છે. નાટક માત્ર મનોરંજન જ નહીં જનજાગૃતિના આશયને પણ સિદ્ધ કરે તેવું સ્વરૂપ છે. તેની આ શક્યતાને પૂર્વેના નાટ્યકારો - સમીક્ષકોએ જોઈ-તપાસી છે. એને કારણે નાટકમાં પ્રચારલક્ષીતાય પ્રવેશી. કલાત્મકતાને ભોગે આવું કશું ચલાવી લઈ શકાય નહીં. સમીક્ષકની જવાબદારી આવા પ્રસંગે વધી જાય છે.

નાટકમાં 'આહાર્ય'ની જાણકારી પણ એટલી જ લાભપ્રદ છે. પહેલાં ગ્રીક-રોમનાં નાટકોમાં મુખવટો – મહોરાં પહેરીને અભિનય થતો. નાટક જાડી કળા હોવાથી મનોભાવોને મુખભાવોને વ્યક્ત કરવા સહજ નહોતાં, આથી પાત્રની મનઃસ્થિતિ પ્રમાણેનાં મહોરાં પહેરીને અભિનય થતો. પછીથી 'મેકપ' અને વેશભૂષામાં ઘણો વિકાસ થયો. નાટકમાં ભજવાતાં પાત્રોના મનોભાવોને વ્યક્ત કરવામાં કે વ્યક્તિને સમજવામાં 'મેકપાદિ' મહત્ત્વના છે. સમીક્ષકે એ બાબતે પણ સભાન રહેવું પડે. કેમકે, પ્રકાશ આયોજનની મદદથી ચહેરા પર બદલાતા ભાવોને ઊપસાવી શકાય છે. તેમાં દિગ્દર્શકની સૂઝ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. મંચ પરની અનેક કરામતો વિશે પણ સમીક્ષકે તત્પર રહેવું પડે. મંચલિપિ નાટ્યાંતર્ગત કરામતો આદિનો અભ્યાસ સમીક્ષકે કરવો આવશ્યક હોય છે.

મંચ પર ભજવાતા નાટકની સમાંતરે શેરી-નાટકો પણ ચાલે છે. 'દર્શન' - ચિત્રફ્રેમમાં ભજવાતું નાટક અને વર્તુળમાં લોકોની વચ્ચે કશાય સાધનસરંજામ વિના, મેકપ, શણગાર, પ્રકાશ-આયોજન વિના ભજવાતું નાટક અનેક નવી શક્યતા ખોલી આપે છે. 'ભવાઈ' જેવું લોકનાટ્ય પણ આમ અનેક રીતે 'સંપૂર્ણ નાટ્ય' હતું. સમીક્ષકે આવાં નાટકોની પણ યથાર્થ સમીક્ષા કરવી ઘટે.

નાટ્યસમીક્ષાનાં ધોરણો સતત પરિવર્તનશીલ રહેવાનાં. યુગસંદર્ભ અને મંચનશૈલી સાથે નાટક પણ પોતાની જુદી છાપ પાડવાનું. ત્યારે જડ-રૂઢ થયેલી સમીક્ષા કશું નવું સંપડાવી – સંશોધી શકે કે કેમ તે વિશે પ્રશ્ન છે. છતાં જે ભજવાય છે કે ભજવી શકાય છે તે જ નાટક છે, તે વધારે ને વધારે રૂઢ થતું જ જવાનું. નાટક ખુલ્લા મંચ પરથી 'દર્શન'માં – થિયેટરમાં હૉલમાં, દીવાનખાનામાંથી લોકોની