આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 

તે ન થઈ શક્યું તો નાટક ભજવાયું હોવા છતાં નાટક નથી. નાટક એ સ્વાન્તઃ સુખાય હોઈ શકે જ નહીં. પ્રેક્ષકથી જ તેનું અસ્તિત્વ અખંડિત બને છે, અન્યથા નહીં ! ભરત દવે માને છે કે કોઈ પણ પ્રકારના નાટકમાં પ્રેક્ષકની હાજરી અનિવાર્ય છે. નાટકકળામાં 'રિસ્પોન્સિવ ઑડિયન્સ' અગત્યનું અને અનિવાર્ય અંગ છે.' ૯૭ ભરત દવેની ચર્ચાના અન્ય મુદ્દાઓમાં મૌલિક નાટ્યલેખક, શેરીનાટક, લોકનાટ્ય, વિકસતાં સમૂહ માધ્યમો વચ્ચે રંગભૂમિ, અવેતન રંગભૂમિમાં શિસ્તની સમસ્યા, પ્રાયોગિક રંગભૂમિ આદિ વિશે જુદા જુદા લેખમાં ચર્ચા કરી છે. 'ગુજરાતી નાટકમાં હાસ્ય' એ લેખમાંથી પણ એમની રંગભૂમિ પ્રત્યેની અને સમાજ પ્રત્યેની નિસબત વ્યક્ત થઈ છે. તેમનું માનવું છે કે નાટક ત્યારે જ ખરા અર્થમાં નાટક બને છે ? જ્યારે તે રંગભૂમિ પર ભજવાય છે અને પ્રેક્ષકોથી સ્વીકારાય છે. અન્યથા તે નાટક નથી જ. નાટકને રંગભૂમિ સાથે જોડાયેલા રહેવું જ પડે તે માત્ર સાહિત્યિક હોઈ શકે નહીં. અલબત્ત, આ એક રંગકર્મી દિગ્દર્શકનો અવાજ છે. ભરત દવે સમીક્ષક નથી. તેમણે નાટકો વિશે સમીક્ષાઓ નથી કરી. જરૂર જણાય ત્યાં મિત્રોને કે પૂછનારને મંતવ્યો જરૂર આપ્યાં છે. ભરત દવે જાગૃત દિગ્દર્શક રહ્યા છે. તેમના અનુભવોમાંથી જે સારતત્ત્વ નીપજી આવ્યું છે તે આપણી રંગભૂમિના લેખોમાં વ્યક્ત થયું છે. તેમણે કલા વિશેની પણ સરસ ચર્ચા કરી છે. નાટક-રંગભૂમિ સાથેનો તેમનો અનુબંધ વિશિષ્ટ પ્રકારનો છે. 'આપણી રંગભૂમિ' નાટક-રંગભૂમિનાં કેટલાંક નહીં સ્પર્શી શકાયેલાં પરિમાણોને ખોલી આપે છે. તેમનો આદર્શ 'ઉચ્ચ વ્યવસાયી અને કલાત્મક ધોરણોવાળી રંગભૂમિ' છે. લોકનાટ્યની ચર્ચામાં તેમણે કહ્યું છે કે આપણે આપણાં લોકનાટ્યોનો આદર નથી કર્યો. અન્ય પ્રદેશોનાં લોકનાટ્યનો નાટકમાં વિશિષ્ટ રીતે વિનિયોગ થયો છે, થતો રહે છે. આ તુલનાત્મક રીતે તેમણે ચર્ચ્યું છે. 'આપણે ત્યાં કહેવાતી આધુનિકતામાં સરી પડેલા ધનિક ગુજરાતી પ્રેક્ષકે લોકકલાને વસ્ત્રો અને ગૃહ સજાવટ પૂરતી ફેશનમાં ગણી લીધી પણ નાટકમાં લોકકલા કે ભવાઈના ઉપયોગને ઊતરતી કોટિના ગણ્યા.૯૮ આપણો નાટ્યકાર, કાં તો 'ઍબ્સર્ડ' વિશે લખે છે કાં તો વિભાજન શૈલીનાં નાટકો લખે છે. વિદેશી વિચાર તેમની પ્રતિભાને પ્રભાવિત કરે છે પણ આપણી રંગભૂમિ કંઈ પ્રગટાવી શક્યા નથી. 'કલાત્મક અને અર્થપૂર્ણ રંગભૂમિને પ્રોત્સાહક એવું વાતાવરણ આપણે નથી સર્જી શક્યા તેની જ ચિંતામાંથી આ પ્રશ્નો જડ્યા છે.'૯૯

ભરત દવેની ચિંતા વ્યાપક અર્થમાં આપણી સહુની છે. અલબત્ત, નાટ્યતત્ત્વની ચિંતા અહીં છે પણ ભજવાતા નાટકની કે પ્રતની સમીક્ષા અહીં નથી. ભરત દવે, દિગ્દર્શક છે ને તેમની નાટક સાથેની સંવેદના નાટકની ભજવણી સાથેના ઘણા પ્રશ્નો ખોલી આપે છે.*