આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર

'નાટક' એવું કલાસ્વરૂપ છે જેને અનેક બાજુએથી વિશ્લેષી શકાય. વિવિધ દૃષ્ટિકોણથી નાટકને વિદ્વાનોએ તપાસ્યું છે. વિવેચનના નવા સિદ્ધાંતો ઘડાતા ગયા તો તે નાટકને લાગુ પાડ્યા છે અને નાટક એ સહુ ઓજારોની સાથે – વચ્ચે રહીને પોતાનું રમણીય દર્શન કરાવતું રહે છે. આપણે ત્યાં નાટક વિશેનું વિવેચન ભલે ઓછું થયું હશે પણ વિવેચનના વિવિધ દૃષ્ટિકોણથી તપાસાયું હોય તો તે આ એકમાત્ર સ્વરૂપ નાટક છે. ગુજરાતી સાહિત્યમાં નાટક આવ્યું ત્યારથી જ તેનું વિવેચન પણ થતું જ આવ્યું છે. વિવેચનનો આરંભ પણ નાટકની આવવાની સાથે સાથે જ લગભગ થઈ ગયો હતો. નવલરામ, નાટક અને નાટકશાળાના મહત્ત્વને તે સમયે ઘણી સારી રીતે સમજી ચૂક્યા હતા. નર્મદ-દલપત પણ નાટક વિશે આછીપાતળી પણ સ્પષ્ટ સમજ ધરાવતા હતા. 'મિથ્યાભિમાન'ની પ્રસ્તાવના જોતાં જ ખ્યાલ આવે છે કે પ્રહસન-ફાર્સ વિશે દલપતરામે કેટલો અભ્યાસ કર્યો છે. ભજવાતાં નાટકો વિશે લખવાનો ચાલ આપણે ત્યાં ભાગ્યે જ આવ્યો. નાટકની ચિંતા કે સમીક્ષા તે સમયે થઈ તે સાહિત્યના સિદ્ધાંતોને આધારે જ 'આરંભથી જ નાટક કાવ્યનો જ એક પ્રકાર છે, એવો દૃઢ મત પ્રસ્થાપિત થયો જેણે ભરતમુનિએ નાટક વિશે જે વિચારો વ્યક્ત કર્યા હતા તેને ધ્યાનમાં લીધા નહીં. નાટકને કાવ્યપ્રકાર ગણી લેવામાં આવ્યો. નર્મદ, આપણું પહેલું મૌલિક નાટક લખાય છે તે પૂર્વે નાટકના સ્વરૂપ વિશે વિચાર કરે છે. તેની નાટકના સ્વરૂપને સ્પષ્ટ કરવા જેટલી નાટ્યસમજનો પરિચય તેના ત્રણ લેખોને આધારે થાય છે, કવિતા જાતિ, નાટક એક અંકનું પાત્ર, અને કવિ અને કવિતા. આ ત્રણેય લેખમાં નર્મદે નાટક વિશે નોંધપાત્ર ચર્ચા કરી છે. 'કવિતા જાતિ'એ લેખમાં તો તેણે કવિતાના મુખ્ય ત્રણ પ્રકારોમાં 'ગીતકવિતા', 'વીરકવિતા' અને 'નાટક'ને ગણાવી નાટકની વ્યાખ્યા કરી છે. નાટકના પ્રકારો વિશે પણ તેણે સ્પષ્ટતા કરી છે. નાટક વિશે નર્મદ ૧૮૫૬ના બુદ્ધિવર્ધક સામાયિકમાં લેખ કર્યો હતો એનો આધાર આપીને નાટકની વ્યાખ્યા કરી છે. અહીં એ કહે