આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪ ⬤ ગુજરાતી નાટ્યવિવેચન
 


છે કે 'નાટક ગદ્યમાં હોય છે, પણ તેમાં પ્રસંગે પ્રસંગે કવિતા મૂકવામાં આવે છે.' નાટકના ભેદમાંય તેનો કૉમેડી, ટ્રેજેડી વિશેનો ખ્યાલ વ્યક્ત થયો છે. 'નાટક બે રીતનાં હોય છે. દુઃખપરિણામક નાટક અને સુખપરિણામક નાટક. પહેલા નાટકમાં જોસ્સા, સદ્‌ગુણ, અન્યાય અને માણસ જાતના દુઃખ એઓનાં ચિત્ર પ્રત્યક્ષ માલમ પડે છે, ને બીજા નાટકમાં માણસ જાતની મૂર્ખાઈ, તેઓની રીતભાત, તબિયત, ખોડ, મોજશોખ વગેરેનું નકલ દાખલ વર્ણન હોય છે. પહેલામાં કરુણા રસનું પ્રાધાન્ય હોય છે ને બીજામાં હાસ્ય રસનું પ્રાધાન્ય હોય છે.'

આમ નર્મદ નાટ્યવિવેચન નથી કરતો પણ નાટ્યસ્વરૂપ વિશેની સમજને વિકસાવવાનો પ્રયત્ન કરે છે. 'નાટક એક અંકનું પાત્ર’ એ લેખમાં પણ નાટકના અંક અને પ્રવેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બાળમિત્ર ભાગ એકમાં પ્રકાશિત થયેલા એક અને બે અંકના નાટકોની નોંધ કરીને નાટકની બાહ્ય અને આંતરિક સંરચના વિશે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. નાટકના અંક અને ભવાઈના વેશમાં તેમણે સમાનતા જોઈ છે. અલબત્ત એ વાતમાં નર્મદ સ્પષ્ટ છે કે નાટક અને ભવાઈ એ બંને અલગ અલગ સ્વરૂપો છે. 'કવિ અને કવિતા' એ લેખમાં 'નાટ્ય'ને સમજાવવા પાદટીપમાં નર્મદ 'નાટ્ય'ની વ્યાખ્યા કરી છે. 'બોલવું, ચાળા કરવા અને નાચવું, જે વિષયમાં છે તે નાટ્ય અથવા નાટક.' નર્મદ, પહેલું મૌલિક નાટક પ્રસિદ્ધ થાય છે તે પૂર્વે નાટકની આ વ્યાખ્યા આપે છે. નાટકના સ્વરૂપ વિશે તેના પ્રકારો વિશે સ્પષ્ટતા કરે છે. નાટ્યવિવેચનનો આરંભ હજુ થયો નથી. મહિપતરામ નીલકંઠ નાટક અને ભવાઈને એક જ માને છે. આપણું લોકનાટ્ય ભવાઈ અને પ્રચલિત નાટક વચ્ચેની ભેદરેખા તેમને દેખાઈ નથી. દલપતરામ પણ મિથ્યાભિમાનની પ્રસ્તાવનામાં 'નાટક રૂપિ નિબંધ'ના પ્રભાવની વાત કરી પ્રહસનના પ્રકારો વિશે અભ્યાસપૂર્ણ વિગતો આપે છે. પણ નાટકના સ્વરૂપ વિશે પહેલી વાર ગુજરાતી સાહિત્યમાં જો કોઈએ કશી નોંધ કરી હોય તો તે નર્મદ છે. નર્મદ સાહિત્ય અને સુધારાનાં ઘણાં ક્ષેત્રમાં આગળ રહ્યો છે તો આ ક્ષેત્રમાં કેમ ન રહે ! ખરેખર તો તેણે 'નાટક જેવા સંવાદો' લખ્યા છે. પોતે જ તેને નાટક જેવા કહે છે. નાટક નામ નથી આપતો. નાટકના સ્વરૂપ વિશેની તેની સમજ અન્ય નાટ્યકારી કરતાંય તેને આગળ મૂકી આપે છે. નાટકના વિવેચનની ચર્ચાનો આરંભ જ આમ તો નર્મદના નાટક એક અંકનું પાત્રથી થયો છે એમ કહેવામાં કશી અતિશયોક્તિ નથી. આ લેખમાં જ નર્મદે નાટક અને ભવાઈના ભેદને, ભવાઈની મર્યાદાઓને ને નાટકના અંક તથા પ્રવેશોમાં વહેંચાયેલા અખંડિત સ્વરૂપને ભવાઈના માધ્યમે સમજવાનો પ્રયત્ન કર્યો છે. નર્મદ જ નાટકને કાવ્યનો પ્રકાર - જાતિ માનવાની સાથે એ બાબતથી સ્પષ્ટ છે કે નાટક ગદ્યમાં હોય છે. નર્મદ નાટકનાં સ્વરૂપ બાબતે કદાચ